Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પરિવારને સંભાળવા સાથે સમરસ હોસ્પિટલમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા ડો. મેહુલ પરમાર

પત્ની કોરોના પોઝિટિવ, પિતા હાઇપર ટેન્શનના અને માતા માતા ડાયાબીટીસના દર્દી છતા

રાજકોટ તા. ૨૮ : હાલની કોરોનની લહેરમાં ઓકિસજનની જરૂરિયાત વાળા દર્દીઓ વધારે હોઈ અમારી જવાબદારી ખુબ જ વધી ગઈ હોવાનું સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ ડો. મેહુલ પરમાર જણાવે છે. છેલ્લા બે માસથી આ હોસ્પિટલ ખાતે ડો. મેહુલ પરમાર અને ડો. કેતન પીપળીયાના માર્ગદર્શન હેઠળ ૨૨૦૦ થી વધુ ગંભીર દર્દીઓ સમરસ ખાતે દાખલ થઈ સારવાર લઈ ચુકયા છે.

આવા સમયે ડો. પરમારના પત્ની ડો. હર્ષા સોલંકી કે જેઓ પી.ડી.યુ મેડિકલ કોલેજમાં પી.એસ.એમ. ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસર છે, અને સિવિલમાં કોવીડ હોસ્પિટલ ખાતે ડયુટી બજાવી રહ્યા હતાં તેઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોઈ ડયુટીની સાથો-સાથ તેમના પત્ની ડો. હર્ષાનું સારી રીતે ધ્યાન રાખી શકાય તે માટે તેમને હાલ સમરસમાં દાખલ કરાયાનું ડો. પરમાર જણાવે છે.

હોસ્પિટલની જવાબદારીની સાથે પરિવારમાં પત્ની પોઝિટિવ, ૭૫ વર્ષના તેમના પપ્પાને હાઇપર ટેન્સન અને ફેફસાની તકલીફ, ૬૫ વર્ષના માતાને ડાયાબિટીસની તકલીફ હોઈ તેમની સારસંભાળ અને ૧૦ વર્ષના પુત્રની જવાબદારી હાલ ડો. મેહુલ નિભાવી રહ્યા છે.

મૂળ તો સિવિલમાં ગાયનેક વિભાગમાં ફરજનિષ્ઠ એવા ડો. પરમારને કોરોનાની પ્રથમ લહેર વખતે પણ સમરસમાં કોવીડ કેરમાં નિયુકત કરાયા હતાં. હવે બીજી લહેર વખતે પણ તેઓ સમરસ ડેડીકેટેડ હેલ્થ સેન્ટરમાં 'દર્દી નારાયણ ભવો'ના સૂત્ર સાથે સમગ્ર દેશને પરિવાર ગણી સેવામાં જીવ રેડી તેમની ફરજ બજાવી રહ્યા છે.

દર્દી જયારે સાજા થઈ તેમની આંખોમાં જે હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળે છે, તેને જ ગોલ્ડ મેડલ ગણી અનેક મેડલ્સથી સન્માનિત થયાની લાગણી ડો. મેહુલ અનુભવે છે, અને હાલની પરિસ્થિતમાં ઈશ્વરે જ તેમને આ ભૂમિકા ભજવવા મોકલ્યો હશે. તેમ માનીને તેઓ મનોમન ઈશ્વરનો આભાર માને છે.

(3:20 pm IST)