Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

વીજ કર્મચારીઓ પોતાના જીવના જોખમે સેવા આપે છે : તેમને સહકાર આપો

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા જનતાને અપીલ

રાજકોટ તા. ૨૮ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ વીજ કર્મીઓ પોતાની જાતની પરવા કર્યા વગર કોરોના જેવી મહામારીના કપરા સમયમાં પણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે કયારેક કોઇ કામમાં વિલંબ થાય તો દરગુજર કરી તેમને સહકાર આપવા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા અપીલ કરાઇ છે.

સમિતિના ઉઝાના સીનીયર સેક્રેટરી બી.એસ. પટેલ અને રાજકોટના જનરલ સેક્રેટરી બી.એમ. શાહની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે ઘણા વીજ કર્મચારીઓ કપરા સમયમાં કામગીરી કરવાથી કોરોના સંક્રમિત થયા છે અને તેમના પરિવારજનોને સંક્રમિત પણ કર્યા છે. ત્યારે આવા જોખમો વહોરીને પણ ફરજ બજાવી રહેલ વીજ કર્મચારી દ્વારા કયારેક કોઇ કામ કરવામાં વાર લાગે તો થોડુ દરગુજર કરવુ જોઇએ.

ગ્રાહકે નોંધાવેલી ફરીયાદનો હલ લાવવા પુરતા પ્રયત્ન થતા હોય છે. તેમ છતા કયારેક ટેકનીકલ કારણોસર વાર લાગે તો વારંવાર ફોન નહીં કરવા કે કોઇ દબાણ નહીં લાવવા વિનંતી છે. કેમ કે ઉતાવળ કરવા જતા કયારે અકસ્માત થઇ જવાનો ભય રહે છે.

ટેકનીકલ કર્મચારી તથા અધિકારી કે મીટર રીડર આપને ત્યાં આવે ત્યારે તેમને સંપૂર્ણ સહકાર આપો. વર્તમાન પરિસ્થિતિમાં જયાં મેડીકલ સ્ટોર, હોસ્પિટલ, નર્સીંગ હોમ, આઇસોલેશન સેન્ટર હોય ત્યાં જરૂરીયાત મુજબના લોડ તથા વીજભાર માંગી લેવા જેથી મીટર/સર્વીસ વાયર ડેમેઝ ન થાય અને નેટવર્ક લોડ મુજબ રાખી શકાય.

કંપનીના કર્મચારીઓ સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા હંમેશા પ્રયત્નશીલ હોય છે. પરંતુ કયારેક કોઇ કારણસર નેટવર્કમાં ફોલ્ટ આવે અને વીજ પુરવઠો ખોરવાઇ જાય તો સૌએ થોડી ધીરજ રાખવી. તેમજ જયા સતત વીજ પુરવઠાની જરૂર રહેતી હોય ત્યાં લોડ મુજબ નિયમાનુસાર મંજુરી લઇને જનરેટર સ્ટેન્ડઅપ રાખવા.

બીલના નાણા બીની શકે ત્યાં સુધી વેબસાઇટ તથા ઓનલાઇન ભરવાનો આગ્રહ રાખવો. જેથી ઓફીસોમાં ભીડ ટાળી શકાય. જનરેટરની વ્યવસ્થા હોય ત્યાં સમયાંતરે જનરેટરો સર્વીસ કરતા રહેવુ અને જરૂરી ફયુઅલ હાજર રાખવુ. મીટર લોડ સાઇડમાં શોર્ટ શર્કીટ ન થાય તે માટે પ્રોેટકેશન સીસસ્ટમ રાખવી. જુનુ વાયરીંગ સમયસર અનુભવી વાયરેમન કે ઇલેકટ્રીશીયન પાસે ચેક કરાવી લેવુ. જેથી અનિચ્છનીય ઘટના ટાળી શકાય. તેમ શ્રી બી. એસ. પટેલ અને શ્રી બી. એમ. શાહે સંયુકત યાદીના અંતમાં જણાવેલ છે.

(3:23 pm IST)