Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ભ્રષ્‍ટાચાર આદર્યો છેઃ ૧૦૦ કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય અન્‍યાયી

પ૬ વર્ષમાં પહેલી વાર એવું બન્‍યું કે સેનેટની ચૂંટણી થઇ નથીઃ કલેકટરને આવેદન : ૧ાા લાખનો મોબાઇલ-પ્‍લેનમાં ફરવા જવાના રાજકોટ જીલ્લા યુવક કોંગ્રેસના ગંભીર આક્ષેપો...

રાજકોટ તા. ર૭: જીલ્લા યુવક કોંગ્રેસના આગેવાનોએ એડી. કલેકટરને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ઇન્‍ચાર્જ કુલપતિએ ભ્રષ્‍ટાચાર આદર્યો છે. યુનિવર્સિટીના ૧૦૦ (સો) જેટલા કર્મચારીઓને છુટા કરી, ૧૦૦ (સો) જેટલા પરિવારોની રોજગારી છીનવી લીધી છે હજુ પણ ૩૦ થી ૪૦ કર્મચારીઓ ને છુટા કરવાની હિલચાલ શરૂ છે. આ અધિકારી પોતાના માનીતાને લેવા માટે આવું હિન કૃત્‍ય કરી રહ્યા છે. ભૂતકાળમાં આ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી કનુભાઇ માવાણી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને ખાડામાંથી બહાર કાઢી ઉતમ શ્રેષ્‍ઠ કામગીરી કરી હતી. હાલના સમયના આ અધીકારી કુલપતિ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને ફરી પછી ખાડામાં ધકેલવાની કામગીરી કરી રહ્યા છે. શ્રી મનુભાઇ માવાણી કુલપતિ હતા ત્‍યારે પોતાની ગાડી મળતી હોવા છતાં પણ મુસાફરી કરવાનું થાય ત્‍યારે ટ્રેનમાં મુસાફરી કરતા અને હાલના આ જવાબદાર અધીકારી વિદ્યાર્થીઓના પૈસે ૧ાા લાખનો મોબાઇલ, પ્‍લેનમાં ફરવા જવું આવા મોજ શોખ કરી રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હાલની પરિસ્‍થિતિ એ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના એકટનો ભંગ થઇ રહ્યો છે. કારણ કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સ્‍વતંત્ર બોડી છે અને સ્‍વતંત્ર અધિકારથી સીન્‍ડીકેટ તેમજ સેનેટ દ્વારા નીતિવિષયક નિર્ણયો થતા હોય છે. જયારે હાલની પરિસ્‍થિતિમાં રાજયના શિક્ષણ મંત્રી દ્વારા પરિપત્ર કરીને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના મંડળ માટે તરાપ મારતો પરિપત્ર કરેલ, જેના કારણે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અધીકારીઓ યુનિવર્સિટીને બાનમાં લઇ લીધેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી એકટનો ભંગ કરીને પ૬ વર્ષમાં પહેલી વખત એવું બન્‍યું કે સેનેટની ચુંટણી થઇ રહી નથી. જેથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી જગત માટે કલંકરૂપ ઘટના છે અને લોકશાહીને ગળાટૂંપો દેવાનું કામ છે અમો આ સ્‍વીકારી નહિં લઇએ એટલા માટે અમે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ને મળવા માટેનો સમય માંગીએ છીએ. જેથી કરીને અમો સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્‍યાય થયો છે તેને વાચા આપી શકીએ. આવેદન દેવામાં આદિત્‍યસિંહ ગોહિલ, અલ્‍પેશભાઇ સાધરિયા, હરપાલસિંહ જાડેજા, યજ્ઞેશભાઇ દવે, મેહુલ માટીયા, રવિભાઇ જીતીયા, બ્રિજરાજસિંહ રાણા, આર્યન કનેરિયા વિગેરે જોડાયા હતાં.

(4:08 pm IST)