Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

લાખાજીરાજ રોડના ધોરાજીવાલા હાડવૈદ દવાખાનામાં ડિગ્રી વગર ડોક્‍ટર બનીને બેઠેલા નુરૂદ્દીન ભારમલની ધરપકડ

બી.કોમ. સુધી ભણેલો શખ્‍સ દર્દીઓની સારવાર કરી બેદરકારી ભર્યુ કૃત્‍ય કરતો હોવાની એ-ડિવીઝન પીએસઆઇ ટી. ડી. ચુડાસમાની ફરિયાદઃ કોન્‍સ. દેવાંગ પાલાની બાતમી પરથી પીઆઇ સી. જી. જોષી અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૮: શહેરના  લાખાજીરાજ રોડ પર આવેલા વર્ષો જુના ધોરાજીવાલા હાડવૈદ નામના દવાખાનામાં ડીગ્રી વગર દવાખાનુ ચલાવી દર્દીઓની દવા સારવાર કરવામાં આવતી હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી વ્‍હોરા  નુરૂદ્દીન ફખરૂદ્દીન ભારમલ (ઉ.વ.૪૮-રહે. દિવાનપરા-૧૮, લાખાજીરાજ રોડ)ની ધરપકડ કરી છે.
એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ ટી. ડી. ચુડાસમા અને કોન્‍સ. દેવાંગભાઇ પાલાને બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ પર આવેલા ધોરાજીવાલા હાડવૈદ નામના દવાખાનામાં નુરૂદ્દીન ભારમલ કોઇપણ જાતની ડિગ્રી વગર દવાખાનુ ચલાવે છે અને લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરે છે. આ માહિતી પરથી ત્‍યાં જઇ તપાસ કરવામાં આવતાં ૧૦×૧૨ની સાઇઝની ઓરડીમાં ચાલતાં ક્‍લીનિકમાં એક વ્‍યક્‍તિ ખુરશી પર જોવા મળહતી. તેને પોલીસ તરીકે ઓળખાણ આપી મેડિકલ પ્રેકટીશની ડિગ્રી કે હોમિયોપેથીક અથવા આયુર્વેદિક કે બીજી કોઇપણ મેડિકલ ડિગ્રી હોય તો રજૂ કરવાનું કહેતાં તેણે પોતાની પાસે કોઇ ડિગ્રી નહિ હોવાનું જણાવ્‍યું હતું.
નુરૂદ્દીન ભારમલ ડિગ્રી વગર જ દર્દીઓને તપાસી એલોપેથી દવા આપતો હોઇ અને પોતે બી.કોમ સુધીનો અભ્‍યાસ કર્યો હોવાનું કહેતાં તેની સામે પોલીસ આઇપીસી ૩૩૬ તથા મેડિકલ પ્રેકટીશનર એક્‍ટની કલમ ૩૦ મુજબ ડિગ્રી વગર ડોક્‍ટરનો સ્‍વાંગ રચી બિમાર લોકોને તપાસી દવા આપી બેદરકારી ભર્યુ કૃત્‍ય કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે ક્‍લિનીકમાંથી સ્‍ટીલની કાતર, દવાઓના પેકેટ, સીરપ, સ્‍કીન ક્રિમ, પાટા તેમજ ટેબલના ખાનામાંથી રૂા. ૩૩૦૦ રોકડા મળી રૂા. ૫૩૫૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલા નુરૂદ્દીનના પિતા ફખરૂદિ્‌ન ભારમલ જુના હાડવૈદ છે. તેની સાથે પુત્ર નુરૂદ્દીન વગર ડીગ્રીએ ડોક્‍ટર બનીને દર્દીઓની સારવાર કરવા માંડયો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી જે. એસ. ગેડમ ની સુચના અને રાહબરીમાં પીઆઇ સી. જી. જોષીના માર્ગદર્શનમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા, દેવાંગભાઇ પાલ, એએસઆઇ બી. વી. ગોહિલ, એચ.આર. ચાનીયા, હેડકોન્‍સ. કરણભાઇ વિરસોડીયા, કોન્‍સ. ભગીરથસિંહ, જગદીશભાઇ, કેતનભાઇ, સાગરદાન, જયરાજભાઇ, અશ્વિનભાઇ, હરવિજયસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

 

(10:39 am IST)