Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટુ ગાબડુ

રાજકોટ તાલુકા અને લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોના રાજીનામા : હજુ વધુ પડશે રાજીનામા : રાજકોટ તાલુકા પ્રમુખ સંજય ખૂંટ અને લોધીકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પંજાને કર્યુ બાય - બાય : ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાના સંપર્કમાં

રાજકોટ તા. ૨૭ : વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે છાશવારે કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે. ગાંધીનગર મહેસાણા સહિત સંખ્‍યાબંધ જિલ્લામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આગેવાનોનો પ્રવાહ જઇ રહ્યો છે ત્‍યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં પણ મોટું ભંગાર પડયું છે. આ લખાય છે ત્‍યારે રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખૂંટ તથા લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજાએ તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્‍યા છે. વધુ સંખ્‍યાબંધ રાજીનામા પણ પડશે. બંને આગેવાનો જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાને સંપર્કમાં હોવાનું મનાય છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ તાલુકા અને લોધીકા તાલુકાના સંખ્‍યાબંધ હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્‍યો, જિલ્લા કોંગ્રેસ સમિતિના અમુક હોદ્દેદારો છેલ્લા થોડા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું મનાતુ હતું તે ટાંકણે જ બે તાલુકાના મુખ્‍ય આગેવાનોએ રાજીનામા ઘટી દેતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડયું છે.

મળતા અહેવાલો મુજબ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાના નજીકના વર્તુળોના ગણાતા આગેવાનો ઘણા સમયથી નારાજ હતા પરંતુ પ્રમુખ તરીકે હિતેશ વોરા હોવાના કારણે કોંગ્રેસથી છેડો ફાડયો ન હતો. દરમિયાન નેતાગીરીમાં ફેરફાર થતાં બંને આગેવાનો તથા તેમના ટેકેદારો છેલ્લા અમુક સમયથી નિષ્‍ક્રીય બની ગયા હતા.

દરમિયાન મળતા અહેવાલો મુજબ આ લખાય છે ત્‍યારે આજે સવારે ૧૦.૩૦ કલાકે મયુરસિંહ જાડેજા તથા સંજયભાઇ ખૂંટે તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્‍યા છે.

બંને આગેવાનોના રાજીનામાના પગલે તાલુકા પંચાયતના અમુક સભ્‍યો તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના અમુક હોદ્દેદારો પણ કોંગ્રેસના રામ રામ કરી શકે છે.

દરમિયાન ભાજપ વર્તુળોમાંથી મળતા અહેવાલો મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સાથે સંજય ખૂંટ, મયુરસિંહ જાડેજા તથા અન્‍ય કોંગ્રેસ મિત્રો સંપર્કમાં હોવાના પણ નિર્દેશો મળે છે.

(11:53 am IST)