Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પેડક રોડ પર ચાલુ રિક્ષાએ ચાલક અમિતને બાઇક ચાલકે ટાપલી મારીઃ મશ્કરીની ના પાડતાં છરી ઝીંકી હત્યાનો પ્રયાસ

બે મિત્રો હરકેશ અને ગોરવને રિક્ષામાં બેસી રામનાથપરા સ્મશાને મેલડી માના દર્શન કરવા જતાં કોળી યુવાન અમિતને ગંભીર ઇજાઃ સારવાર હેઠળ : બી-ડિવીઝન પોલીસે સંજય ગુપ્તા, અનુરાગ અગ્રાવત અને પાર્થ કોળી સામે ગુનો નોંધ્યોઃ એક સકંજામાં

રાજકોટ તા. ૨૮: શહેરના સામા કાંઠે પેડક રોડ પર સાંજે આઠેક વાગ્યે રિક્ષાચાલક કોળી યુવાનને ચાલુ રિક્ષાએ બાઇક પર આવેલા એક શખ્સે માથામાં ટાપલી મારી મશ્કરી કરી તેમજ રિક્ષા આડે બાઇક નાંખી મજાક કરતાં રિક્ષાચાલકે આવું કરવાની ના પાડી તેને ટપારતાં એ શખ્સે બીજા બે મિત્રો સાથે મળી રિક્ષાચાલકને પેટમાં છરીનો ઘા ઝીંકી દેતાં આંતરડા બહાર નીકળી ગયા હતાં. હોસ્પિટલના બિછાને પહોંચેલા આ યુવાનના ભાઇની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ત્રણ જણા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ચામુંડા સોસાયટી સદ્દગુરૂ દ્રષ્ટી પાર્ક બ્લોક નં. ૨૬માં રહેતો રિક્ષાચાલક અમિત કિશોરભાઇ ભેંસજાળીયા (કોળી) (ઉ.વ.૨૧) નામનો રિક્ષાચાલક યુવાન સાંજે આઠેક વાગ્યે પોતાની રિક્ષા હંકારી સાથે બે મિત્રો હરકેશ ચનાભાઇ ભરવાડ અને ગોૈરવ ભરવાડને બેસાડી રામનાથપરા સ્મશાને મેલડી માતાજીના દર્શન કરવા જઇ રહ્યો હતો.

આ વખતે પેડક રોડ બાલક હનુમાન ચોકમાં ગોવિંદબાગ શાક માર્કેટ વાળા રોડ પર પહોંચતા ત્રણ શખ્સો બાઇક પર આવ્યા હતાં અને ચાલુ વાહને અમિતને ટાપલી મારી લીધી હતી. તેમજ રિક્ષા આડે બાઇક હંકારવાનું ચાલુ કર્યુ હતું. આથી અમિતે આ રીતે મશ્કરી ન કરવા કહેતાં બાઇક ચાલકે બાઇક આડુ રાખી રિક્ષા ઉભી રખાવી દીધી હતી. એ પછી બોલાચાલી થતાં ત્રણેય જણાએ ગાળાગાળી કરી હતી અને અમિત તથા તેના બે મિત્રોને ઢીકાપાટુ મારી લીધા હતાં.

એ દરમિયાન એક શખ્સે છરી કાઢી બીજાને આપતાં તેણે અમિતને પેટમાં ઘા ભોંકી દીધો હતો. આરોપીઓ આ વિસ્તારના જ હોઇ પોલીસે તપાસ કરતાં ત્રણેયના નામ મળી ગયા હતાં. અમિતના ભાઇ નરેશ કિશોરભાઇ ભેંસજાળીયા (ઉ.૨૮)ની ફરિયાદ પરથી સંજય ગુપ્તા, અનુરાગ અનિલભાઇ અગ્રાવત અને પાર્થ અશ્વિનભાઇ કોળી સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ છરી અનુરાગે કાઢીને આપી હતી અને ઘા સંજય ગુપ્તાએ ઝીંકયો હતો. પોલીસે એક આરોપીને સકંજામાં લઇ લીધો છે. પીઆઇ બી. એમ. ઓૈસુરા, પીએસઆઇ બી. બ. કોડીયાતર, રશ્મીનભાઇ પટેલ, વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે .

(11:42 am IST)