Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

જંકશન પ્લોટ એપાર્ટમેન્ટની લોબીમાં છોકરાને દડે રમવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

લતાબેન બુધરાણી અને વિલાસબેન બસીયાની સામસામી ફરીયાદ

રાજકોટ તા.ર૮ : જંકશન પ્લોટ પોસ્ટ ઓફીસ નજીક આવેલ જયએપાર્ટમેન્ટની લોબીમાં છોકરાઓને દડે રમવા બાબતે બે પરિવાર વચ્ચે મારા મારી થતા સામસામી ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જંકશન પ્લોટ પોસ્ટ ઓફીસની બાજુમાં આવેલા જયએપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૧ માં રહેતા લતાબેન મહેશભાઇ બુધરાણી (ઉ.૪૬) એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં એપાર્ટમેન્ટના બ્લોક નં.૪૦૪ માં રહેતા વિલાસબેન જીલુભાઇ બસીયા અને પ્રતાપના નામ આપ્યા છે. લતાબેને ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે પોતે ઘરે હતા ત્યારે દીયર હરીશભાઇનો દીકરો પ્રથમ પોતાના ફલેટની આગળ લોબીમાં દડે રમતો હતો ત્યારે સામેના ફલેટમાં રહેતા વિલાસબેન બસીયાએ જોરથી પ્રથમને જેમ તેમ બોલવા લાગતા પોતે બહાર ગયા ત્યારે પોતાની સાથે પણ ઉંચા અવાજે ગાળો આપી 'અહીયા રમવુ નહી' તેમ કહેતા પોતે તેને ગાળો બોલવાની ના પાડી પોતે ઘરમાં જતા રહ્યા હતા થોડીવાર બાદ વિલાસબેનના પતિ પ્રતાપ આવેલ અને તે પણ ગાળો બોલવા લાગતા પોતે તેને પણ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને લાકડી લઇને આવ્યો અને બંને પોતાની સાથે ઝઘડો કરવા લાગેલ અને વિલાસબેને પોતાને ઝાપટ અને તેના પતિ પ્રતાપે લાકડી વડે માર માર્યો હતો. અને પોતાની દીકરી આયુષીને અને પુત્ર ગૌરાંગને પણ મારમાર્યો હતો. દેકારો બોલતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને પોતાને છોડાવ્યા હતા.

જયારે સામા પક્ષે વિલાસબેન જીલુભાઇ બસીયા (ઉ.૪ર) એ ફરીયાદમાં સામેના ફલેટમાં રહેતા લતાબેન મહેશભાઇ બુધરાણી, હિરામણીબેન હરેશભાઇ બુધરાણી, ગૌરાંગ મહેશભાઇ બુધરાણી, આયુષી મહેશભાઇ બુધરાણી અને હરેશ બુધરાણીના નામ આપ્યા છે.

વિલાસબેનના જણાવ્યા મુજબ લતાબેનનો ભત્રીજો લોબીમાં રમતા હોય, તેથી પોતે તેને નીચે રમવા જવાનું કહી સમજાવતા હતા ત્યારે આ પાંચેય શખ્સોએ ગાળો આપી ઝઘડો કરી  પોતાને અને પતિ સાથે ઝપાઝપી કરી રબ્બરના પાઇપ વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે પ્રનગર પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી પી.એસ.આઇ. આર.એસ. સાકળીયાએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)