Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સીગારેટના રવાડે ચડાવી દેશના યુવાધનને પાયમાલ કરવામાં વિદેશી કંપનીઓનો હાથ : હેમંત ઉપાધ્યાય

સરકારના 'તમાકુ મુકત ભારત' અભિયાનને વેગ આપવા રાજકોટમાં ગ્રાહક સુરક્ષા મંડળના સહયોગથી યોજાયો સેમીનાર

રાજકોટ તા. ૨૮ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ 'તમાકુ મુકત ભારત' અભિયાન સફળ બનાવવા દેશભરમાં સેમીનારો, ચર્ચા સભાઓ યોજવા કરેલ હાકલને અનુસરી રાજકોટમાં શહેર ગ્રાહક સુરક્ષા મંડળના માધ્યમથી શ્રીમતી રમાબેન માવાણી (માજી સાંસદ) દ્વારા રાજયકક્ષાના એક સેમીનારનું આયોજન કરાયુ હતુ.

આ સેમીનારમાં સરકારના પ્રતિનિધિ તરીકે હેમંતભાઇ ઉપાધ્યાયએ ઉપસ્થિત રહી મુખ્ય વકતવ્યના દોરમાં જણાવ્યુ હતુ કે વિદેશી કંપનીઓ સીગરેટના બંધાણી બનાવી દેશના યુવાધનને પાયમાલ કરવાનું કામ કરી રહી છે. તમાકુના ઉત્પાદનો ધીમા ઝેર સમાન છે. ગુજરાતના મીશનને સફળ કરવા તેઓએ માહીતી આપી હતી.

આ તકે દેશમાં ઇસીગરેટ વેંચવા, ઉત્પાદન કરવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ હોવા છતા ઇ-કોમર્સ અને દુકાનો પર ઇસીગારેટો મળી રહી છે તે ખેદ જનક છે. આવુ તમાકુના વેંચાણમાં છે. શાળા કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓની નજીક તમાકુ વેંચાણ પ્રતિબંધિત હોવા છતા વેંચાણ થઇ રહ્યુ હોવાનું પ્રાસંગીક વકતવ્યમાં મહાનગરપાલીકાના આરોગ્ય અધિકારી ડો. પંકજભાઇ રાઠોડ, ન્યુ એરા સ્કુલના અજયભાઇ પટેલ, શિક્ષણશાસ્ત્રી ગીજુભાઇ ભરાડે જણાવ્યુ હતુ.

દિલ્હીની માતબર આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સંસ્થા વોલેન્ટરી કન્ઝયુમર ઓર્ગેનાઇઝેશન ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર એજયુકેશન (વોઇસ) દ્વારા સેમીનારને માર્ગદર્શન મળેલ. રાજયભરમાંથી ૫૦ થી વધુ સામાજીક શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ આ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

સેમીનારમાં રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, વિરલભાઇ પીપળીયા, કુ. પૂર્વીબેન દવે, શ્રીમતી દીપાબેન કોરાટ, કાર્તિકભાઇ બાવીસી, અશોકભાઇ કોયાણી, જી. એન. ગગલાણી, અતુલભાઇ જોષી, દિપકભાઇ આસર વગેરેએ મંતવ્યો આપેલ હતા.

વકતાઓના અને શ્રોતાઓના વિચારો સુચનોને સંકલિત કરી વડાપ્રધાનના કાર્યાલયમાં જરૂરી આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવેલ હોવાનું શ્રીમતી રમાબેન માવાણીની યાદીમાં જણાવાયુ છે. 

(3:38 pm IST)