Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો આદેશ

આરોપી રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. ર૮: સ્ટોપ પેમેન્ટ કરીને આપેલ ચેક રિટર્ન કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી મેઇન રોડ વિસ્તારમાં રહેતા જગદીશભાઇ હરજીભાઇ સીંધવ 'જય ગોપાલ ફાઇનાન્સ'ના નામથી ફાઇનાન્સનો ધંધો કરતા હતા ત્યારે તેમની સાથે ઓળખાણનો સબંધ ધરાવતા મવડી ગામ વાળા હાર્દીકભાઇ પરષોતમભાઇ સોરઠીયા રહેઃ ગ્રીનપાર્ક સોસાયટી, બાપા સીતારામ ચોક, મવડી રોડ, રાજકોટ વાળાએ જયગોપાલ ફાઇનાન્સમાંથી વ્યાજે રૂપિયા બે લાખ લીધેલા હતા જે રકમ તથા વ્યાજ સહીતની રકમ રૂ. ર,૧૦,પ૦૦/- અંકે રૂપિયા બે લાખ દસ હજાર પાંચસો પુરા, પરત ચુકવવા બાબતે હાર્દીકભાઇએ તેમના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હતો. જે ચેક સ્ટોપ પેમેન્ટના શેરા સાથે રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતાં રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટના જજ શ્રી એમ. આર. લાલવાણીની કોર્ટે આરોપી હાર્દીકભાઇ પરષોતમભાઇ સોરઠીયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી હાર્દીકભાઇ પરષોતમભાઇ સોરઠીયા ને ૧ (એક) વર્ષની કેદની સજા તેમજ ચેક મુજબની રકમ એક માસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો એક માસમાં રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહીનાની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા હતા. 

(3:43 pm IST)