Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ડ્રાઇફ્રુટ કાજુ અને પનીરના નમુના ફેઇલઃ બે વેપારીને ૧પ હજારનો દંડ

મ.ન.પા.એ ૧૦૦ થી વધુ હોટલ રેસ્ટોરન્ટમાં ફુડ લાઇસન્સનું ચેકીંગઃ નુડલ્સ-પીઝામાં ઓરેગાનોના નમુના લેવાયા

રાજકોટ, તા., ૨૮: મ.ન.પા.ના આરોગ્ય વિભાગે લીધેલા ડ્રાઇફ્રુટ કાજુ અને પનીરના નમુનાઓ ફેઇલ થતા બે વેપારીઓને કુલ ૧પ હજારનો દંડ ફટકારાયો છે.

આ અંગે મ.ન.પા.ના ફુડ વિભાગની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરના ચંદ્રેશનગર મે.રોડમાં આવેલ શ્રી રામવિજય કિરાણા ભંડારમાંથી લીધેલ ખાદ્યપદાર્થ ડ્રાયફુટ કાજુ (લુઝ)માં ડેમેજડ પ્રમાણ વધુ હોવાના કારણે ફુડ એનાલીસ્ટ શ્રી દ્વારા સદર નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ. નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને આરએસીએડીએમ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજુઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર કલ્પેશભાઇ રમણીકલાલ ગોટેચા (નમુનો આપનાર તથા પેઢી સંચાલક) ને કુલ રૂ. પ૦૦૦નો દંડ ફરમાવેલ છે.

જયારે શહેરના કોઠારીયા ખાતે આવેલ સહજ ફુડ પ્રોડકટ માંથી લીધેલ ખાદ્ય પદાર્થ ટોકુ સોયા પનીર (લુઝ) માં ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ તેમજ અન્ય કોઇ સ્ટાર્ચની ભેળસેળ હોવાને કારણે ફુડ એનાલીસ્ટશ્રી દ્વારા સદર નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ. નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને આરએસી-એડીએમ સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજુઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી કુલદીપ સુધીરકુમાર ધામેલીયા (નમુનો આપનાર પેઢીના માલીક)ને કુલ રૂ. ૧૦,૦૦૦નો દંડ ફરમાવેલ છે.

નુડલ્સ અને ઓરેગાનોના નમુના લેવાયા

આ ઉપરાંત બે વેપારીઓને ત્યાંથી નમુના લેવામાં આવેલ છે. તેમાં (૧) ટોપરાબન મસાલા નુડલ્સનો એવન્યુ સુપર માર્કેટ (ડીમાર્ટ) પ્લોટ નં. ૧, વિઝન હાઇસ્કુલ પાસે, કુવાડવા રોડ તથા (ર) ટેસ્ટી પ્રીકસલ ઓરેગાનો તિર્થ માર્કેટીંગ શ્રી ચિત્રકુટ સો. મે. રોડ, ગાયત્રી શુઝ પાસે એસ્ટ્રોન રેલ્વે નાલા પાસે એમ ઉકત બે નમુનાઓ લેવાયા હતા. જે સરકારી ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.

આ ઉપરાંત શહેરની ૧૦૦ થી વધુ હોટલ-રેસ્ટોરન્ટોમાં ફુડ લાયસન્સ છે કે નહી તેનું ચેકીંગ કરાયેલ જેમાં તમામ પાસે લાયસન્સ હોવાનું ખુલ્યું હતું. 

(4:01 pm IST)