Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોૈભાંડીયા કોલ સેન્ટર મારફત છેતરાયેલા અમેરિકન નાગરિકોના નિવેદનો મેળવવા માટે પોલીસનો પ્રયાસ

ટોળકીના કોણે-કોણે કેટલાને છેતર્યા? કેટલી રકમ અત્યાર સુધી મેળવી? તેની તપાસઃ છેતરાયેલા અમેરિકનો ત્યાંથી લેખીતમાં નિવેદન મોકલે તે માટે પ્રયાસોઃ અમદાવાદ તરફ પણ તપાસનો દોરઃ સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનોને શોધવા મુંબઇ પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૨૮: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે આલ્ફા પ્લસ કોમ્પ્લેક્ષમાં આઠમા માળે ઓફિસ નં. એ-૮૦૪માં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મુંબઇ-નાગાલેન્ડ-દિલ્હી-હરિયાણાના ૮ શખ્સો અને એક યુવતિએ કોલ સેન્ટર મારફત ગુગલની એપ્લીકેશનનો ઉપયોગ કરી અમેરિકન નાગરિકોને બલ્કમાં વોઇસ મેસેજ મોકલી બાદમાં તેઓને અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સિકયુરીટી ઓફિસરના નામે ઓળખ આપી તમે ગેરકાયદેસર કામ કરો છો, તમારો સોશિયલ સિકયુરીટી નંબર રદ થઇ જશે...તેમ કહી ડરાવી ધમકાવી જેલમાં ધકેલવાની અને બીજા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી ભય ફેલાવી તેની પાસેથી ૧૦૦ થી ૨૦૦ ડોલરના વાઉચર મેળવી લઇ ઠગાઇ કરતાં હોવાનું કોૈભાંડ પકડી લીધું હતું. આ ગુનામાં સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનોને શોધવા મુંબઇ પોલીસની મદદ લેવાઇ છે. તેમજ અમદાવાદ તરફ પણ તપાસનો દોર લંબાવાયો છે. કોવિડ ટેસ્ટ બાદ છ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે. બીજી તરફ પોલીસ એવા પ્રયાસો પણ કરી રહી છે કે જે અમેરિકન નાગરિકો છેતરાયા છે તેમનો સંપર્ક શોધી ઇ-મેઇલથી તેમને નિવેદન મોકલવા અપિલ કરાશે.

આ કોૈભાંડ મામલે પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ ફરિયાદી બની રેસકોર્ષ રીંગ રોડ પટેલ આઇસ્ક્રીમ ઉપર રહેતાં ધીરેન ઉર્ફ ચીકુ જેઠાભાઇ કાટુવા (ઉ.વ.૨૯-મુળ આર.સી. બેરેક, ચેમ્બુર ઇન્સેન્સ હોસ્પિટલ પાસે મુંબઇ), સુમેર કિશોરભાઇ સોલંકી (ઉ.વ.૨૪-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, રેસકોર્ષ રોડ, મુળ આર. સી. બેરેક રૂમ નં. ૩૧૫ મુંબઇ), સગીર (રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ નાગાલેન્ડ દીમાપુર ડિસ્ટ્રીકટ ફોર્ટ માઇલ), વિક્રમ ગોપાલભાઇ ગુપ્તે (ઉ.૧૯-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ, મુળ મુંબઇ ચેમ્બુર ૫૦૧ બિલ્ડીંગ, બી-૪, આદર્શ કો.ઓ.હા. સોસાયટી ન્યુ આરએનએ કોલોની વાસીનાકા ચેમ્બુર મુંબઇ), અતુલ પ્રદિપભાઇ ઇસ્ટવાલા (ઉ.વ.૨૩-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ ૪૧-બી.ડી. ફલોર મીલ અંબાલા થાના સદર હરિયાણા), સગીર (-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર રેસકોર્ષ રીંગ રોડ, મુળ ધીમાપુર નાગાલેન્ડ), સગીર (રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ નાગાલેન્ડ ધીમાપુર), ઇર્શાદ જુમનભાઇ અલી (ઉ.વ.૨૫-રહે. પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ એચએનઓ-૭૦૫, ટોપ ફલોર, બાબા લીખીનાથ કૂટી પાસે મેહરાઉલી સાઉથ દિલ્હી), દિપ્તી નારાયણભાઇ બીસ્ટ (ઉ.વ.૨૬-રહે. હાલ પટેલ આઇસ્ક્રીમ ઉપર, મુળ મુંબઇ વસઇ ખુશી એપાર્ટમેન્ટ વીંગ-૨, રૂમ નં. ૨૦૩) તથા મુંબઇના સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો તેમજ તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૧૯, ૪૨૦, ૩૮૪, ૧૨૦-બી, ૧૧૪ તથા આઇટી એકટ કલમ ૬૬ સીડી મુજબ ગુનો નોંધી ત્રણ સગીર સહિત ૯ની ધરપકડ કરી હતી.

કોૈભાંડમાં વાઉચર વટાવી આપનાર કોણ? નવમાંથી કોણે-કોણે કેટલા અમેરિકન નાગરિકોને છેતર્યા? કેટલી રકમની ઠગાઇ કરી? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. તેમજ છેતરાયેલા અમેરિકન નાગરિકો ત્યાંથી પોતાનું નિવેદન મોકલી શકે એ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.  આરોપીઓના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવશે. સુત્રધાર દેવેન્દ્ર ઉર્ફ નેનો પકડાયા બાદ વધુ વિગતો ખુલશે. રાજકોટમાં કોલ સેન્ટર માટે ઓફિસ ખોલવા દલાલ પાસે ખોટુ બોલવામાં આવ્યું હતું. સોફટવેર કંપની ખોલવાની છે તેવું કહી ઓફિસ ભાડે રખાઇ હતી. તેમજ ફલેટ પણ અન્ય દલાલ મારફત રખાયો હતો. પોલીસે આ અંગે પણ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમ વિશેષ તપાસ કરે છે. 

(3:38 pm IST)