Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોઠી કમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવાનની લટકતી લાશ મળી

કેમેરા માટેના લોખંડના ઘોડામાં લટકતી હતી લાશઃ માથામાં સારવાર લીધાનો પાટો બાંધેલો અને પેટ પર ઇજા જેવું નિશાનઃ માત્ર પેન્ટ પહેરેલું : આશરે ૩૦ વર્ષનો મજૂર જેવો લાગતો યુવાન દિવાલ ઠેંકી મેદાનમાં આવ્યાની શકયતાઃ કેમેરા માટેના લોખંડના ઘોડામાં બાંધેલા કેબલથી જાતે ફાંસો ખાઇ લીધો કે અન્ય કંઇ બન્યું?: ઓળખ મેળવવા અને ભેદ ઉકેલવા પ્ર. નગર પોલીસે તપાસનો ધમધમાટ આદયો

રહસ્યઃ રેલ્વે કોઠી કમ્પાઉન્ડના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અજાણ્યા યુવાનની લાશ કેમેરા માટેના લોખંડના વિશાળ સ્ટેન્ડમાં કેમેરાના કેબલમાં લટકતી મળતાં રહસ્ય સર્જાયુ હતું. યુવાન કોણ છે? તેણે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? મેદાનનો ગેઇટ બંધ હોય છે તો તે અંદર કયાંથી આવ્યો? એ સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તસ્વીરમાં લોખંડના ઘોડા-કેમેરા સ્ટેન્ડ પર લટકતી લાશ ઉતારવામાં આવી રહી છે તે દ્રશ્ય, યુવાનનો ચહેરો, તેના હાથ પર ત્રોફાવેલુ ત્રિશુલનું નિશાન અને ઘટના સ્થળે પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ હરેશભાઇ રત્નોતર, તોરલબેન જોષી તથા આરપીએફનો સ્ટાફ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮: શહેરના કોઠી કમ્પાઉન્ડમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેમેરા સ્ટેન્ડ (લોખંડના વિશાળા ઘોડા) પરના કેમેરો ફીટ કરવાના કેબલમાં એક અજાણ્યા આશરે ૩૦ વર્ષના યુવાનની લટકતી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને ચકચાર મચી ગઇ હતી. મજૂર જેવા દેખાતા આ યુવાને માત્ર પેન્ટ પહેરેલુ છે. શર્ટ પહેર્યો નથી. માથા પર સારવારનો પાટો બાંધેલો છે અને પેટ પર સ્હેજ ઇજા જેવું છે. મેદાનનો ગેઇટ બંધ રાખવામાં આવતો હોય છે. જેથી મોડી રાતે કે વહેલી સવારે આ યુવાન દિવાલ ઠેંકીને આવ્યો હોઇ શકે છે. બનાવ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો જણાય છે. આમ છતાં ખરેખર શું બન્યું તે જાણવા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને બીજી વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

જાણવા મળ્યા મુજબ કોઠી કમ્પાઉન્ડમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે ઘાંસ કાપવા માટે આવેલા એક મહિલાએ મેદાનમાં કેમેરા માટેના લોખંડના વિશાળ ઘોડા પર કેબલમાં લટકતો એક યુવાનને જોતાં તે હેબતાઇ ગયા હતાં. તુરત જ રેલ્વે અધિકારીને જાણ કરતાં તેમણે આરપીએફને જાણ કરી હતી. આરપીએફ દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ત્યાંથી મેસેજ મળતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર, તોરલબેન જોષી સહિતના પહોંચી ગયા હતાં.

પ્રાથમિક નજરે ઘટના શંકાસ્પદ જણાતી હોઇ એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં  પીઆઇ એલ. એલ. ચાવડા સહિતનો સ્ટાફ પણ પહોચ્યો હતો. જેનો મૃતદેહ લટકતો મળ્યો એ યુવાનની ઉમર આશરે ૩૦ વર્ષ જેવી છે. તેણે શર્ટ પહેર્યો નથી. મહેંદી કલર જેવું પેન્ટ પહેરેલુ છે. તેની પાસેથી તેની ઓખળ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તેના માથા પર સારવાર લીધી હોય તેનો સફેદ પાટો બાંધેલો છે અને પેટ પર સ્હેજ લોહી જેવું નીકળ્યું છે.

મૃતકના ડાબા હાથની ત્રીજી આંગળીમાં ધાતુની વીંટી છે અને ગળામાં શ્રીરામના ફોટાવાળુ લોકેટ છે. જમણા હાથમાં કોણી ઉપર ત્રિશુલ ત્રોફાવેલુ છે. આ સિવાય તેની ઓળખ થાય તેવું કંઇ મળ્યું નથી. ક્રિકેટ ગ્રાઉન્ડનો દરવાજો બંધ હોય છે. જેથી આ યુવાન કદાચ રેલ્વે સ્ટેશન તરફની દિવાલ ઠેંકીને અંદર આવ્યો હોય અથવા તો લાવવામાં આવ્યો હોય તેવી શકયતા છે. તેણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કંઇ બન્યું હશે? તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેની ઓળખ મેળવવા આસપાસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે બપોર સુધી મૃતકની ઓળખ થઇ શકી નહોતી.

મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પેનલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. તસ્વીરમાં દેખાતા મૃતક યુવાન વિશે કોઇને માહિતી હોય કે તેને કોઇ ઓળખતું હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આવતી કાલે આ મેદાનમાં વૂમન ટીમ વચ્ચે મેચ રમાવાનો છેઃ મોડી રાત સુધી લોકોની અવર જવર હતીઃ સવારે મેદાનમાં ઘાંસ કાપવા માટે આવેલા મહિલાએ લાશ જોતાં રેલ્વે અધિકારીને જાણ કરી

. જ્યાંથી લટકતી લાશ મળી એ રેલ્વેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવતી કાલે મહિલાઓની ટીમ વચ્ચે મેચ રમાવાનો હોઇ ગત મોડી રાત સુધી અહિ તૈયારી માટે લોકો હાજર હોવાનું કહેવાય છે. એ પછી ગમે ત્યારે આ ઘટના બની હોઇ શકે છે. સવારે મહિલા ઘાંસ કાપવા માટે આવ્યા ત્યારે યુવાનની લટકતી લાશ જોતાં તેઓ ગભરાઇ ગયા હતાં અને રેલ્વે અધિકારીને જાણ કરી હતી.

(2:37 pm IST)