Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ઠગાઇથી મેળવેલા પાંચ ટ્રક દૂધ સાગર રોડ પર કાપીને ભંગારમાં નખાય આવે એ પહેલા ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ એકની પુછતાછ

૮૩ લાખના ટ્રકો આણંદ પંથકના રિઝવાને અલગ અલગ ટ્રક માલિકો પાસેથી છેતરીને મેળવ્યાનું ખુલ્યું : સ્ક્રેપના ધંધાર્થી મુસા ચાવડાની અટકાયતઃ તે કહે છે-તેણે ડેલો દૂધની ડેરી પાસે રહેતાં વસીમ ઉર્ફ બચ્ચો અને જંગલેશ્વરના સોહિલ ઉર્ફ સોયલાને ભાડેથી આપ્યો છેઃ બંનેને આણંદનો રિઝવાન નામનો શખ્સ ટ્રક આપી ગયાનું ખુલ્યું: રિઝવાને મહિને લાખ રૂપિયા ભાડુ મળશે એવી લાલચ આપી ટ્રક માલિકો સાથે ઠગાઇ કરી ટ્રક બારોબાર વેંચી નાંખ્યાની વિગતો બહાર આવીઃ આણંદ પોલીસને જાણ કરાઇ : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયાની બાતમીઃ પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમની કામગીરી

તસ્વીરમાં મુસ્તાક ઉર્ફ મુસો ચાવડા અને કબ્જે કરાયેલા ૮૩ લાખના ટ્રક જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૮: શહેરના દૂધ સાગર રોડ પર આવેલા ભંગારના ડેલા પાસે ૮૩ લાખની કિંમતના પાંચ ટ્રક શંકાસ્પદ રીતે આવ્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ડેલા માલિકની અટકાયત કરી પુછતાછ કરતાં તેણે આ ડેલો દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડના અને જંગલેશ્વરના બે શખ્સને ભાડેથી આપ્યાનું તેમજ આ ટ્રકો એ બંને શખ્સો હસ્તક હોવાનું કહેતાં આ બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. દરમિયાન ટ્રક નંબરને આધારે તપાસ થતાં એવી વિગતો બહાર આવી છે કે આણંદ પંથકના રિઝવાન નામના શખ્સે એ પંથકના ટ્રક માલિકોને મહિને એકાદ લાખનું ભાડુ મળશે એવી લાલચ આપી છેતરપીંડીથી મેળવી બારોબાર રાજકોટના બે શખ્સને વેંચી મારતાં ભંગારમાં કપાવા માટે આ ટ્રક આવ્યાનું ખુલ્યું છે. જો કે ટ્રક કપાય એ પહેલા પોલીસે બચાવી લીધા છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીસીબીના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયાને પાક્કી બાતમી મળી હતી કે દૂધ સાગર રોડ પર પાંચ ટ્રકો શંકાસ્પદ રીતે આવ્યા છે. જેથી ત્યાં જઇ તપાસ કરતાં ડમ્પર જીજે૦૩એએકસ-૯૭૫૪ રૂ. ૧૬ લાખનું, જીજે૧૭યુયુ-૯૪૯૪ ડમ્પર રૂ. ૧૭ લાખ, ટાટા કંપ્નીનો ૧૨ વ્હીલવાળો ટ્રક જીજે૦૯એવી-૨૫૦૨ રૂ. ૧૮ લાખનો, જીજે૦૨એકસએકસ-૫૧૮૨ નંબરનો ટ્રક રૂ. ૧૬.૫૦ લાખનો અને જીજે૧૮એઝેડ-૧૧૪૨ આઇશર ટ્રક રૂ.૧૫.૫૦ લાખનો મળી કુલ રૂ. ૮૩ લાખના ટ્રક મળ્યા હતાં.

જે ડેલા પાસે આ ટ્રક હોઇ મળ્યા હોઇ તેના માલિક અંગે તપાસ કરતાં આ ડેલો અગાઉ હત્યાનો ભોગ બનેલા મર્હુમ આરીફભાઇ ચાવડાના ભાઇ મુસ્તાક ઉર્ફ મુસો ગુલામહુશેનભાઇ ચાવડા (ઘાંચી) (ઉ.વ.૩૪-રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૧, પંચાયત હોલ સામે દૂધ સાગર રોડ) નામના સ્ક્રેપના ધંધાર્થીનો હોવાનું ખુલતાં પોલીસે તેની ૪૧ (૧) ડી મુજબ અટકાયત કરી પુછતાછ કરી હતી.

મુસાએ પુછતાછમાં જણાવ્યું હતું કે તેને આ ડેલો વસીમ ઉર્ફ બચ્ચો બસીરભાઇ સમા (સંધી) (રહે. ગુ.હા. બોર્ડ એચપી પંપ પાછળ, મુખ્તારભાઇના મકાનમાં, દૂધ સાગર રોડ) તથા સોહિલ ઉર્ફ સોયલો અબ્દુલભાઇ સોરઠીયા (ઘાંચી) (રહે. બિસ્મીલ્લા પાર્ક, હસનશા પીરની દરગાહ પાછળ, જંગલેશ્વર, મુળ રામનાથપરા-૧૧, ઘાંચી જમાત ખાના પાસે)ને ભાડેથી આપેલો છે. આ પાંચેય ટ્રક પણ આ બંને હસ્તક આવેલા છે.

આ માહિતીને આધારે આ બંને શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી છે કે આણંદ પંથકના રિઝવાન નામના શખ્સે મહિને એકાદ લાખનું ભાડુ મળશે એવી વાતો કરી અલગ અલગ ટ્રક માલિકો પાસેથી છેતરીને આ ટ્રકો મેળવ્યા બાદ રાજકોટના વસીમ ઉર્ફ બચ્ચો અને સોહિલ ઉર્ફ સોયલાને સસ્તા ભાવે ભંગારમાં કાપવા માટે વેંચી દીધા હતાં. જો કે ટ્રકો કપાય એ પહેલા ક્રાઇમ બ્રાંચ પહોંચી ગઇ હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની  સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા અને નિતેષભાઇ બારૈયાએ આ કામગીરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે છેતરાયેલા ટ્રક માલિકોને આણંદથી ગાડીના કાગળો સાથે લઇને આવવા જણાવ્યું છે. રિઝવાન અને તેની પાસેથી ટ્રક લેનારા વસીમ તથા સોયેબ સહિત વિરૂધ્ધ આણંદ પોલીસ કાર્યવાહી કરી શકે છે. 

(2:42 pm IST)