Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પ્રભુ પાસે એવું કોમ્પ્યુટર છે જે કયારેય 'હેક' થતું નથી

પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દ્વિમાસિક સ્મૃતિ દિનની હરિધામમાં ઉજવણી : આપણી એક- એક ક્રિયા પ્રભુના કોમ્પ્યુટરમાં નોંધાય છેઃ પૂ.પ્રેમસ્વરૂપ સ્વામી

રાજકોટઃ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિ પ્રસાદ સ્વામીજી મહારાજના દ્વિમાસિક સ્મૃતિદિનની હરિધામ-સોખડા ખાતે ભકિતભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.  પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કાર જ્યાં થયા હતા તે સ્થાને  સંતો-ભકતોએ ભજન પ્રાર્થના કર્યાં હતાં. 

આ પ્રસંગે આશીર્વચન આપતાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી કહ્યું હતું કે, સ્વામીજીએ આપણને સહુને પ્રભુના સંબંધની દ્રષ્ટિથી જોતાં શીખવ્યું.  ભકતોનો અપરંપાર મહિમા સમજાવ્યો.  એમના આત્મીયતના સંદેશનું એ હાર્દ છે.  ભગવાન સ્વામિનારાયણની રીતેરીત રાખીને કોઈના ય અભાવ-અવગુણ ન લઈએ એ તેઓશ્રીની અનુવૃત્તિ રહી છે.  આપણી એકએક ક્રિયા પ્રભુના કોમ્પ્યુટરમાં નોંધાય છે.  એ એવું કોમ્પ્યુટર છે જે ક્યારેય 'હેક' થતું નથી.  આજે આપણે દ્રઢ સંકલ્પ કરવો છે, કોઈ પ્રત્યે અભાવ-અરૂચિ નથી રાખવાં. આપણે સહુ સ્વામીજીનાં સંતાન છીએ.  આપણી જવાબદારી ખૂબ મોટી છે. પ્રત્યેક ભકતો જીવંત તીર્થો છે.  સ્વામીજીએ અનેકવાર કહ્યું છે તેમ એ તીર્થોનો મહિમા સમજવો છે. 

પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આત્મીય સ્મૃતિતીર્થ પર બેનમૂન મંદિર બનાવીને ગુરૂભકિતનો અર્ધ્ય અર્પણ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.  આ ઉપરાંત પ્રાગટયસ્થાન આસોજમાં પણ ભવ્ય મંદિર બનાવવાનું છે.  તેમણે એ ભૌતિક મંદિરની સાથોસાથ સ્વામીજીની અનુવૃત્તિ મુજબ સંપ, સુહૃયદભાવ અને એકતાને આત્મસાત કરીને હ્રદયમાં મંદિર નિર્માણ કરવા ભકતોને આહવાન કર્યું હતું.  સ્વામીજીનું ઋણ દાસના દાસ થઈને ચૂકવવું છે.  એ વાત કયારેય ભૂલવી નથી.  સ્વામીજી વિદાય નથી થયા.  આપણી સાથે જ છે.  એના ગમતામાં વર્તીશું તો એ સાથે હોવાની અનુભૂતિ ચોક્કસ થશે જ.

આ પ્રસંગે પૂજય પ્રબોધજીવન સ્વામીએ તેમનાં ઉદબોધનમાં કહ્યું હતું કે, આપણાં પ્રાણાધાર પરમ પૂજ્ય સ્વામીજીની સ્મૃતિમાં ભકિતભીના થવાનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામીજીએ દેશ-વિદેશમાં વિચરણ કરીને અનેક સ્થળોને તીર્થત્વ બક્ષ્યું છે.  સ્વામીજીના યોગમાં આવનારા સહુ તીર્થ સ્વરૂપ છે.  આત્મીયતા અને સુહૃદયભાવની જીવનભાવનાને આત્મસાત કરીને આપણી જાતને તીર્થરૂપ બનાવવી છે. એમની વાણીના પ્રભાવથી આત્માને જાગૃત રાખવો છે.  તો સ્વામીજીની સ્મૃતિમાં સતત રમમાણ રહી શકીશું. 

પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ આસોજ અને હરિધામમાં નિર્માણ પામનાર સ્મૃતિ મંદિરની સેવા મળી તેને જીવનની ધન્યતા ગણાવી હતી.  આ સેવામાં સહુને ઉમંગભેર નિમિત્ત બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

(3:27 pm IST)