Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પોલીસ કમિશનરના જન્મ દિવસ નિમીતે ક્રાઇમ બ્રાંચનું સત્કાર્ય

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ટીઆરબી જવાનના માતા-પિતાને ત્રણ લાખની સહાય

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીએ સહાય અર્પણ કરી : ટીઆરબી જવાન વિપુલભાઇ જાડાનું મૃત્યુ થયું એના બે દિવસ પહેલા તેમના મોટા ભાઇનો પણ કોરોનાએ ભોગ લીધો'તો

રાજકોટ તા. ૨૮:  કોરાના મહામારીએ અનેક પરિવારોના માળા વેરણ છેરણ કરી નાંખ્યા હતાં. હજુ પણ સ્વજનો ગુમાવનારા અનેક એવા લોકો છે જેઓ આઘાતમાંથી બહાર આવી શકયા નથી. શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતાં વિપુલભાઇ ધનાભાઇ જાડા પણ ફરજકાળ દરમિયાન તા. ૨૨/૪/૨૧ના રોજ કોરોનાની ચપેટમાં આવી જતાં અવસાન થયું હતું. એ પહેલા એટલે કે ૨૦/૪/૨૧ના રોજ તેમના મોટા ભાઇ ભરતભાઇ ધનાભાઇ જાડાને પણ કોરોના ભરખી ગયો હતો. બબ્બે કંધોતરને કોરોના કોળીયો કરી જતાં નીરાધાર બની ગયેલા માતા-પિતાને જે તે વખતે આર્થિક સહાય મળે તેવો પ્રબંધ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તરફથી કરવામાં આવ્યો હતો. મુળ ચોટીલાના રામપરા (રાજ) ગામના વતની સ્વ. વિપુલભાઇ અને સ્વ. ભરતભાઇના માતા-પિતાને આજે વધુ એક વખત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ તરફથી રૂ. ત્રણ લાખની આર્થિક મદદ કરવામાં આવી છે. આજે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલનો જન્મદિવસ હોઇ તેમણે માનવતાવાદી વલણ દાખવી ટીઆરબી જવાનના પરિવારને વધુ આર્થિક મદદ મળે તે માટે યોગ્ય કરવા સુચન કર્યુ હતું. જે ધ્યાને લઇ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી મારફત સ્વ. વિપુલભાઇ અને સ્વ. ભરતભાઇના માતા-પિતાને સહાય અર્પણ કરવામાં આવી હતી.

શ્રી અગ્રવાલે આજે પોતાના જન્મદિવસ નિમીતે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતે રહેતાં તમામ બાળકોને ભોજન, સામાજીક કલ્યાણ સંસ્થા દ્વારા કાર્યરત માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ કાલાવડ રોડ ખાતે તમામ બાળકોને ફ્રુટ, મીઠાઇ અને દૂધનો આહાર આપી જન્મદિવસ ઉજવ્યો હતો. 

(3:28 pm IST)