Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

થોરાળા સર્વોદય સોસાયટી પાસેથી દારૂની ૨૪૦ બોટલ ભરેલી કાર સાથે તુષાર ઉર્ફે ચીનો પકડાયો

પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારીની ટીમનો દરોડોઃ દારૂનો જથ્થો અને કાર મળી ૨.૩૪ લાખની મતા કબ્જે

રાજકોટ,તા. ૨૮: થોરાળામાં સર્વોદય સોસાયટી મેઇન રોડ પરથી પેરોલ ફરલો સ્કવોડની ટીમે બાતમીના આધારે દારૂની ૨૪૦ બોટલ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા મેઇન રોડ પરથી દારૂનો જથ્થો ભરેલી કાર નીકળવાની હોવાની પેરોલ ફરલો સ્કવોર્ડના કોન્સ. યુવરાજસિંહ, યોગેન્દ્રસિંહ તથા શીરાજભાઇ ચાનીયાને બાતમી મળતા થોરાળા વિસ્તારમાં વોચમાં હતા. ત્યારે સર્વોદય સોસાયટી મેઇન રોડ પરથી પસાર થતી એક જીજે૧૦ એ.સી.૭૦૧ નંબરની કોરોલા કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૮૪,૦૦૦ની કિંમતની દારૂની ૨૪૦ બોટલ મળી આવતા કાર ચાલક તુષાર ઉર્ફે ચીનો મનુભાઇ પરમાર (ઉવ.૨૪) (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૧, ૮૦ ફુટ રોડ)ને પકડી લઇ દારૂનો જથ્થો અને કાર મળી રૂ. ૨,૩૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી પેરોલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ એમ.એસ.અંસારી, હેડ કોન્સ. ઝહીરભાઇ અફીફ, કોન્સ. અનીલસિંહ ગોહીલ, યુવરાજસિંહ રાણા, કોન્સ. સીરાજભાઇ ચાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. શાંતુબેન મુળીયા દ્વારા કરવામાં આવી હતી. 

(3:34 pm IST)