Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

એટીવીટી અને ઇધરા કેન્દ્રના પ૦ થી વધુ કર્મચારીઓને ૩ માસનો પગાર ન અપાયો!

કપરા કોરોના મહામારીમાં ફરજ બજાવી હોવા છતા : જીલ્લા કલેકટર દરમિયાનગીરી કરે તેવી કર્મચારીઓમાં માંગણી

રાજકોટ, તા., ૨૮:  શહેરની વિવિધ મામલતદાર કચેરીઓના  એટીવીટી સેન્ટર  અને ઇધરા કેન્દ્રમાં ફરજ બજાવતા પ૦ થી વધુ કર્મચારીઓની કોરોના મહામારી સમયગાળા દરમિયાનમાં ૩ માસનો પગાર ન ચુકવતા કર્મચારીઓમાં ઉગ્ર રોષ ભભુકયો છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ કપરા કોરોના મહામારીમાં એટીવીટી અને ઇધરા કેન્દ્ર બંધ હોવાના કારણે કર્મચારીઓને ડીઝાસ્ટર વિભાગમાં ફરજ સોંપાઇ હતી અને તમામ કર્મચારીઓએ કોરોના મહામારીમાં ફરજ બજાવી હોવા છતાં એજન્સીના સંચાલકોએ માર્ચ-એપ્રિલ-મે ર૦ર૧નો પગાર ચુકવેલ નથી. એજન્સીના સંચાલકો એટીવીટી અને ઇધરા કેન્દ્ર બંધ હોવાનું કહી  પગાર ન ચુકવતા હોવાનો કર્મચારીઓ આક્ષેપ કરી રહયા છે. હકીકતે  કોરોના મહામારીમાં એટીવીટી અને ઇધરા કેન્દ્રને બદલે ડીઝાસ્ટરમાં ફરજ બજાવી હોય પગાર મેળવવા હક્કદાર હોવાનું કર્મચારીઓનું કહેવું છે. આ અંગે જીલ્લા કલેકટર દરમિયાનગીરી કરી ૩ માસનો પગાર ચુકવવા એજન્સી સંચાલકોને હુકમ કરે  તેવી કર્મચારીઓમાં માંગણી ઉઠી છે.    

(3:56 pm IST)