Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મચ્‍છરોના રાસડા

છેલ્લા ૭ દિ'માં ડેન્‍ગ્‍યુ-મેલેરીયા-ચીકનગુનિયાના ૨૧ દર્દી

મનપાના ચોપડે શરદી - ઉધરસના ૨૫૩, ઝાડા - ઉલ્‍ટીના ૮૭ કેસ નોંધાયા : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૮૭ને નોટીસ

મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાની મેલેરીયા વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારમાં ઘરે ઘરે જઇને પાણીના પાત્ર ખાલી કરાવવા, ફોગીંગ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્‍વીર
રાજકોટ,તા. ૨૬ : શહેરમાં સતત વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ છે. જેમાં ભય મુજબ મચ્‍છરનો ઉપદ્રવ વધવા લાગ્‍યો છે. ખતરનાક ડેંગ્‍યુ તાવ ફેલાવતા એડીસ મચ્‍છરોએ જાણે દરેક વિસ્‍તારમાં બ્રિડીંગ કર્યા હોય તેમ છેલ્લા અઠવાડિયામાં ડેંગ્‍યુ ચાલુ વર્ષના સૌથી વધુ સાપ્તાહિક ૨૧ કેસ નોંધાતા ચિંતા વધી ગઇ છે. હવે ઉઘાડ નીકળતા આ મચ્‍છરો વધુ આતંક ફેલાવે અને ડેંગ્‍યુના કેસમાં મોટો ઉછાળો આવે તેવી પણ આરોગ્‍ય વિભાગને ભીતિ છે.
વરસાદના વિરામ બાદ મિશ્ર ઋતુ અને અનુકુળ વાતાવરણને કારણે ડેંગ્‍યુ, મેલેરીયાના કેસ આવશે તેમ આરોગ્‍ય વિભાગે અગાઉ પણ કહ્યુ હતું. ડેંગ્‍યુ ફેલાવતા એડીસ મચ્‍છર દિવસે કરડે છે. અને જ્‍યાં ભીડ હોય ત્‍યાં વધુ ડંખ મારે છે. તંત્ર દ્વારા તમામ ૧૮ વોર્ડમાં મચ્‍છરજન્‍ય રોગચાળાની ભીતિવાળા વિસ્‍તારોમાં સર્વેલન્‍સ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પરંતુ મચ્‍છરોએ તેમનું કામ જાણે ગતિમાં મુક્‍યુ હોય તેમ લાગે છે.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૯થી તા.૨૫ સપ્‍ટેમ્‍બર સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છજન્‍ય રોગચાળાના ૨૧ કેસ
અઠવાડિયામાં મેલેરિયાના ૨, ડેન્‍ગ્‍યુના ૧૭ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. જયારે આ સીઝનનાં કુલ મેલેરિયાના ૩૦, ડેન્‍ગ્‍યુના ૧૦૪ તથા ચિકનગુનિયાના ૧૮ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૩૫૩ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૨૫૩ તેમજ સામાન્‍ય તાવના ૪૯ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૮૭ સહિત કુલ ૩૮૯ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ સબબ ૭૮૯ ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૯૦,૨૫૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૧૨૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૭૮૯ લોકોને નોટીસ પાઠવવામાં આવી છે.

 

(2:55 pm IST)