Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સામાકાંઠે ગેરકાયદે બે બાંધકામોનું ડિમોલીશન

લાં...બા... સમયે મનપાનું બુલડોઝર ધણધણ્‍યું : જુનો મોરબી રોડ પર એસ.ઇ.ડબ્‍લ્‍યુ.એસના પ્‍લોટમાં ખડકાયેલ દિવાલ તથા થોરાળા વિસ્‍તારમાં ઓટલાના દબાણો હટાવી અંદાજીત ૮૦ ચો.મી. રૂા. ૧૮ લાખની જગ્‍યા ખુલ્લી કરાવાય

રાજકોટ,તા. ૨૭ : મ્‍યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ઘણા સમય બાદ ગેરકાયદે દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અન્‍વયે શહેરના જુના મોરબી રોડ પર SEWSના અનામત પ્‍લોટમાં ખડકાયેલ તથા થોરાળા વિસ્‍તારમાં બોકસ ગટર પર ગેરકાયદે ઓટલો, તોડી પાડી ૮૦ ચો.મી. રૂા. ૧૮ લાખની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ કમિશ્‍નર અમિત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે પૂર્વ ઝોન વોર્ડ નં. ૪માં ટી.પી.સ્‍કીમ નં. ૧૪ ના અંતિમખંડ નં. ૪/બીના એસ.ઇ.ડબ્‍લ્‍યુ.એસ હેતુના પ્‍લોટમાં ૬૦ ચો.મી.માં થયેલ દબાણ તથા વોર્ડ નં. ૧૫માં આવેલ થોરાળા વિસ્‍તારમાં બોકસ ગટર પર કરવામાં આવેલ ઓટલાનું દબાણ દૂર કરવામાં આવેલ છે.

આ ડિમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા (ઇસ્‍ટ ઝોન)ના તમામ સ્‍ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફાયર અને ઇમરજન્‍સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:51 pm IST)