Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રવિવારે ગાંધી જયંતિઃ કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા-શબ્‍દાંજલી

ડો.ભરતભાઇ જોશી ગાંધીજી છેવટની આશા વિષે પ્રવચનઃ પાંચ રકતપિત રોગમુકત દર્દીઓના પુનઃવસન માટે રોજગારી સાધન વિતરણ

રાજકોટઃ ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટ, રાજકોટનાં ઉપક્રમે પૂજય મહાત્‍મા ગાંધીની ૧૫૩મી જન્‍મજયંતિ તા.૨જી ઓકટોબર, રવિવારે સાંજેઃ ૫થી ૬.૧૫ પૂજય બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્‍થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્‍દાંજલિ કાર્યક્રમ રાખેલ છે.આ પ્રસંગે શિક્ષણ શાષા ભવન, ગુજરાત વિદ્યાપીઠનાં ડીન-અધ્‍યક્ષ, કવિ તેમજ ગાંધી વિચાર તજજ્ઞ ડો. ભરતભાઇ જોશી(પાર્થ મહાબાહુ), ‘‘ગાંધીજી છેવટની આશા'' વિષય ઉપર મુખ્‍ય પ્રવચન આપશે. કાર્યક્રમનું પ્રમુખસ્‍થાન મૂર્ધન્‍ય કવિ, સંત સાહિત્‍ય અને ગાંધી વિચાર તજજ્ઞ શ્રીદલપતભાઇ પઢિયાર સંભાળશે. આ સાથે મહાત્‍મા ગાંધીજીને અત્‍યંત પ્રિય એવા રકતપિત નિર્મૂલન કાર્યક્રમ અનુસાર રકતપિત મુકત દર્દીઓનું સમાજમાં પુનઃ સ્‍થાપન કરવા માટે તેઓને સ્‍વરોજગારીનાં સાધનો પુરા પાડી સ્‍વતંત્ર રીતે પોતાના પગ પર ઊભા કરવાનો છેલ્‍લા ૨૦ વર્ષથી મહાલક્ષ્મી ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વખતે પણ પાંચ રકતપિત રોગમુકત દર્દીઓના પુનઃવસન માટે સ્‍વરોજગારી સાધનોનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

કબા ગાંધીના ડેલાની દસ્‍તાવેજી ફિલ્‍મ અંગેજી ભાષામાં શ્રીકેયુરભાઇ અંજારીયા તથા તેની ટીમે બનાવેલ છે. આ જ દસ્‍તાવેજી ફિલ્‍મ ગુજરાતી તથા હિન્‍દી ભાષામાં ગુજરાત ટુરીઝમનાં સહયોગથી તૈયાર કરવામાં આવી છે. દસ્‍તાવેજી ફિલ્‍મની સીડીનું વિમોચન મુખ્‍ય મહેમાનશ્રીનાં હસ્‍તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પવા રાજકોટવાસીઓને ગાંધી સ્‍મૃતિ ટ્રસ્‍ટનાં મંત્રી ડો.અલ્‍પાબેન ત્રિવેદી એ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:31 pm IST)