Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભાજપની રણનીતિ અંતર્ગત કેજરીવાલ ગુજરાતમાં : ઓઝા

ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી - સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના પ્રભારી ‘અકિલા'ની મુલાકાતે : સત્તા વિરોધી મતનું વિભાજન કરવા ભાજપનો ખેલ, ‘આપ' હાથો બન્‍યો : અન્‍ડર કરન્‍ટ પ્રમાણે લોકો કોંગ્રેસની સાથે છે : ભાજપ મોંઘવારી - બેકારી - પ્રાથમિક સુવિધા અંગે મૌન, કોંગ્રેસના આ મુખ્‍ય મુદ્દા છે : રામ કિશન ઓઝા : ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી અને સૌરાષ્‍ટ્રના પ્રભારી રામકિશન ઓઝાજી નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છવાતો જાય છે, ત્રિપાંખિયા જંગનો રોમાંચ છે. જો કે કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા - રણનીતિકાર થોડું જુદું વિશ્‍લેષણ કરે છે. ગુજરાતમાં દ્વિપક્ષીય જંગ જ રહ્યો છે, ભાજપને ખ્‍યાલ છે કે, ગુજરાતના લોકોને સરકાર સામે આક્રોશ તીવ્ર છે. સત્તા વિરોધી મતના વિભાજન માટે ભાજપે ત્રીજા પક્ષની એન્‍ટ્રી કરાવી છે. ભાજપની રણનીતિ અંતર્ગત કેજરીવાલ ગુજરાતમાં એન્‍ટર થયા છે. સત્તા વિરોધી મતનું વિભાજન કરવા ‘આપ' હાથો બન્‍યો છે.

આ શબ્‍દો રામકિશન ઓઝાજીના છે. તેઓ ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટિના સેક્રેટરી છે અને સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના પ્રભારી છે. ખૂબ અનુભવી અને ધીર ગંભીર ઓઝાજી રણનીતિના માસ્‍ટર છે. તેઓ આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. ઓઝાજીએ જણાવ્‍યું હતું કે, ભાજપ લોકોના કામ કરીને - લોકોને સુખ - સુવિધા આપીને મત મેળવવાની રણનીતિ નથી ધરાવતો. વિવિધ પ્રકારના હથકંડા કરીને લોકોના મત મેળવવા રણનીતિ ધરાવે છે.

૨૭ વર્ષના એકધારા શાસનમાં ગુજરાતમાં લોકોની દશા દયનીય બની છે. મોંઘવારીનો હાહાકાર છે. આરોગ્‍ય - શિક્ષણ - પ્રાથમિક સુવિધાની સ્‍થિતિ કથડી ગઇ છે. બેકારી - ગરીબીનું વર્ચસ્‍વ છે. લોકો ખૂબ પરેશાન છે. સરકાર સામે તીવ્ર આક્રોશ છે.

શ્રી ઓઝાએ આગળ જણાવ્‍યું હતું કે, લોકોના પ્રશ્નો ઉકેલીને મત મેળવવાને બદલે ભાજપે સત્તા વિરોધી મતના વિભાજન માટે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખડી કરી દીધી છે. જો કે શ્રી ઓઝા કહે છે કે, ‘આપ'નો કોઇ ઇતિહાસ નથી. કોઇ વિશેષ વિચારધારા નથી. અન્‍ના હજારે નામના વૃધ્‍ધ વ્‍યકિતને દગો આપીને સર્જાયેલી પાર્ટી છે. ગુજરાતમાં લોકો તેને નહિ સ્‍વીકારે.

રામકિશનજીએ કહ્યું હતું કે, કોંગ્રેસ વિચારધારા સાથે સંકળાયેલી પાર્ટી છે. કોંગ્રેસે સર્જેલી સુવિધા - કરેલા કાર્યો આજે પણ લોકોને ઉપયોગી થાય છે.

શ્રી ઓઝા ઘણાં સમયથી સૌરાષ્‍ટ્રમાં સ્‍થાયી થયા છે. લોકો - કાર્યકરો સાથે સીધો સંપર્ક કેળવે છે. તેઓ કહે છે કે, અન્‍ડર કરન્‍ટ કોંગ્રેસ તરફી છે. અમે ઘરે-ઘરે પ્રચાર કરીએ છીએ. લોકો ભાજપથી થાકી ગયા છે. આગામી દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર જોવા મળશે.

શ્રી ઓઝાએ જણાવ્‍યું હતું કે, દરેક વર્ગ ભાજપથી નારાજ છે. વ્‍યાપારીઓ સામે જીએસટી મોટો મુદ્દો છે. સરકારે કમ્‍મરતોડ વેરા ઝીંક્‍યા છે. કોંગ્રેસ જીએસટી અંગે ક્રાંતિકારી નિર્ણય કરીને સરળ અને વ્‍યાજબી વેરાની રણનીતિ અપનાવશે.(૨૧.૪૬)

કોંગ્રેસ દ્વારા ઘેર-ઘેર સંપર્ક અભિયાન

મેરા બુથ, મેરા ગૌરવ

રાજકોટ : ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ ગંભીરતાપૂર્વક પાયાના કામ આદર્યા છે. પ્રભારી શ્રી ઓઝાએ જણાવ્‍યું હતું કે, મેરા બુથ, મેરા ગૌરવ અભિયાન અંતર્ગત સૌરાષ્‍ટ્રભરમાં કાર્યકરો ઘેર-ઘેર પહોંચી રહ્યા છે, લોકોનો ખૂબ રિસ્‍પોન્‍સ મળી રહ્યો છે.

સૌરાષ્‍ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશનજી ખુદ પણ આ અભિયાનમાં જોડાઇને કાર્યકરની જેમ ઘેર-ઘેર સંપર્ક કરે છે. સૌરાષ્‍ટ્રમાં કોંગ્રેસ મજબૂત બની રહી છે.(૨૧.૪૬)

ભાજપમાં ૬૦ ટકા નેતા કોંગ્રેસના !

લોકોમાં મોદીજી લોકપ્રિય હોય તો ભાજપે કોંગ્રેસના નેતા તોડવાની શી જરૂર છે ? ઓઝા

રાજકોટ : ભાજપ પ્રચાર કરે છે કે, મોદીજી સૌથી વધારે લોકપ્રિય નેતા છે અને તેમના નામે મત મળે છે. આ ખોટો પ્રચાર છે. ભાજપને ચૂંટણી જીતવા કોંગ્રેસના નેતાની જરૂર પડે છે.  ભાજપ પોતાને વિચારધારા વાળી પાર્ટી ગણાવે છે, પણ ભાજપમાં ૬૦ ટકા નેતા કોંગ્રેસના છે. મોદીજીના નામે મત મળતા હોય તો કોંગ્રેસના નેતાઓ તોડવાની ભાજપને શી જરૂર પડે છે ? આવો પ્રશ્ન શ્રી ઓઝાએ ઉઠાવ્‍યો હતો.(

(4:39 pm IST)