Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

લોકો પુનઃપ્રાપ્‍ય ઉર્જાનો વધુ ઉપયોગ કરે : કિરીટસિંહ : પર્યાવરણ જતન માટે સરકારના પ્રયાસો : બિપીન તલાટી

આબોહવા પરિવર્તન પખવાડિયાની ઉજવણી નિમિત્તે રાજકોટમાં કાર્યક્રમ : ગુજરાતના કલાઇમેટ ચેઇન્‍જ વિભાગ દ્વારા મારવાડી કોલેજ ખાતે યોજાયેલ પરિસંવાદમાં કિરીટસિંહ રાણા, બિપીન તલાટી, સંદીપ સંચેતી, જીતુભાઇ ચંદારાણા વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૨૭ : ગુજરાત સરકારના ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આપેલ પંચામૃત ફોર ક્‍લાઈમેટ ચેન્‍જ અંતર્ગત યુવા જાગૃતિ માટે સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ અને ક્‍લાઈમેટ ચેન્‍જ અંગે પરિસંવાદ  મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્‍થિતિમાં મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.

 કિરીટસિંહ રાણાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણને બચાવવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્‍યા છે. પર્યાવરણના જતન માટેના આ ૧૫ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જોડાય અને જાગૃતતા આવે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓને સરકારશ્રી દ્વારા બિરદાવવામાં આવે છે. રીન્‍યુએબલ એનર્જી તરફ લોકો વધુને વધુ જાગૃત બને તે માટે રાજય સરકાર દ્વારા પ્રયત્‍નો કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગના જોઇન્‍ટ સેક્રેટરી બિપીનભાઇ તલાટીએ જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્‍સપર્ટ કોન્‍ફરન્‍સ કરવા ઉપરાંત કલાઇમેટ ચેન્‍જ માટે વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્‍ચે પણ જાગૃતતા આવે તે માટે આ નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્‍લૂ ઈકોનોમી માંથી ગ્રીન ઈકોનોમી તરફ તેમજ ફોસીલ ફયુલ માંથી રીન્‍યુએબલ એનર્જી તરફ જવાના લક્ષ્યમાં ગુજરાત સતત પ્રયત્‍નશીલ છે.મારવાડી યુનિવર્સિટીના રજીસ્‍ટ્રાર નરેશ જાડેજાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું તેમજ પંચામૃત મહોત્‍સવ અંતર્ગત યુનિવર્સિટી દ્વારા કરેલ વકતૃત્‍વ, નિબંધ સ્‍પર્ધા વગેરે વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. આ સ્‍પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે સર્ટીફીકેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

વાઇસ ચાન્‍સેલર ડો. સંદીપ સંચેતીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમજ મારવાડી યુનિવર્સિટીના સાયન્‍સ એન્‍ડ એન્‍જિનિયરિંગના ડીન આર. બી. જાડેજાએ આભારવિધિ કરી હતી.કાર્યક્રમમાં યુનિવર્સીટીનાં વાઈસ પ્રેસિડેન્‍ટશ્રી જીતુભાઈ ચંદારાણા, યુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ પ્રોફેસરો અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

(4:55 pm IST)