Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબીથી ચોટીલા માતા સાથે દર્શને આવેલા પાર્થ ભટ્ટનું લક્‍ઝરી બસની ઠોકરે ચડતાં મોત

ચોટીલા ડુંગર સામે રસ્‍તો ઓળંગતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ મુળ તળાજાનો વતનીઃ એકના એક દિકરાને ગુમાવતાં માતા શોકમાં ગરક

રાજકોટ તા. ૨૮: ચોટીલામાં ડુંગરની સામે બસ સ્‍ટેશન પાસે રસ્‍તો ઓળંગતી વખતે મુળ તળાજાનો હાલ મોરબી રહેતો બ્રાહ્મણ યુવાન લક્‍ઝરી બસની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. તે માતા સાથે નવરાત્રી નિમીતે ચોટીલા દર્શન કરવા આવ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મુળ ભાવનગરના તળાજાનો પાર્થભાઇ નરેન્‍દ્રભાઇ ભટ્ટ (ઉ.૪૦) હાલમાં મોરબી ઢુવા ચોકડીએ માતા ભાવનાબેન ભટ્ટ સાથે રહી ત્‍યાં કારખાનામાં કામ કરતો હતો. નવરાત્રી નિમીતે ગઇકાલે મા-દિકરો ચોટીલા દર્શન કરવા આવ્‍યા હતાં. સાંજે સાતેક વાગ્‍યે રસ્‍તો ઓળંગી સામેની સાઇડમાં આવેલી હોટલ તરફ જઇ રહ્યો હતો ત્‍યારે લક્‍ઝરી બસ આવી જતાં તેની ઠોકરે ચડી ગયો હતો.

અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. તે વખતે પાર્થભાઇના માતા થોડે દૂર હોઇ તે પણ દોડીને આવી ગયા હતાં. ગંભીર ઇજા પહોંચી હોઇ તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ મોડી રાતે દમ તોડી દીધો હતો. તે એક બહેનથી નાનો અને માતાનો આધારસ્‍તંભ હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. 

(11:19 am IST)