Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ગોંડલમાં બીજા માળની બાલ્‍કનીમાંથી પડતાં ૧ાા વર્ષની બાળકીનો જીવ ગયો

રાજકોટ તા. ૨૮: માસુમ બાળકો ઘણીવાર રમતાં રમતાં મુશીબત નોતરી લેતાં હોય છે. આવા બનાવોમાં ક્‍યારેક બાળકોનો જીવ પણ જતો હોય છે. ગોંડલમાં દોઢ વર્ષની બાળકીનું ઘરના બીજા માળની બાલ્‍કનીમાં રમતાં રમતાં પડી જવાથી ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના રામનગર-૧માં રહેતાં આશિષભાઇ કોયાણીની પુત્રી ઝાંખી (ઉ.વ.૧ાા) સાંજે ઘરની બાલ્‍કનીમાં ઉભી હતી ત્‍યારે પડોશમાં રહેતાં પરિવારની બીજી બાળકી નીચે ઉભી ઉભી ઉપર જોઇ ઝાંખીને રમાડી રહી હતી એ વખતે માસુમ ઝાંખી બાલ્‍કનીમાંથી નીચે જોવા જતાં નમી જતાં બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને પટકાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. ગોંડલ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી. ઝાંખી એક ભાઇથી નાની હતી. પિતા આશિષભાઇને ઓટો પાર્ટની દૂકાન છે. લાડકવાયીના મૃત્‍યુથી સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

(11:20 am IST)