Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હલેન્‍ડામાં મકાનના ભાગનો ડખ્‍ખો : અશોક મારૂએ માતા-કાકાને પાવડાથી ફટકાર્યા

શાંતુબેન મારૂ અને છગનભાઇ મારૂને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૮ : સરધારના હલેન્‍ડા ગામમાં બસ સ્‍ટેશન પાસે મકાનમાં ભાગ બાબતે પુત્રએ ઝઘડો કરી માતા અને તેના કાકાને પાવડાના હાથા વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ હલેન્‍ડા ગામમાં બસ સ્‍ટેશન પાસે રહેતા શાંતુબેન ડાયાભાઇ મારૂ (ઉ.૫૨) એ આજીડેમ પોલીસ મથકમાં પુત્ર અશોક ડાયાભાઇ મારૂ (રહે. કાલાવડ રોડ, મોટા મવા, લક્ષ્મીના ઢોરે) સામે ફરિયાદ નોંધાવી છે. શાંતુબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે હલેન્‍ડા ગામમાં નાના દીકરા અરૂણ સાથે રહે છે. ગઇકાલે પોતે તથા પરિવારજનો ઘરે હતા ત્‍યારે રાજકોટ કાલાવડ રોડ પર મોટા મવા લક્ષ્મીના ઢોરે રહેતો પુત્ર અશોક ડાયાભાઇ મારૂ (ઉ.૩૦) હલેન્‍ડા ગામમાં ઘરે આવીને કહેલ કે ‘તમે મને મકાનમાં સરખો ભાગ નથી આપ્‍યો' તેમ કહી એકદમ ઉશ્‍કેરાઇ જઇ ગાળો આપવા લાગેલ અને તેને ગાળો આપવાની ના પાડતા પોતાની સાથે ઝઘડો કરી ધક્કો મારી પછાડી દેતા પોતાને જમણા હાથના કાંડાના ભાગે તથા પીઠના ભાગે ઇજા થઇ હતી. આ સમયે દિયર છગનભાઇ મારૂ છોડાવવા માટે વચ્‍ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી ગાળો આપી અશોકે ફળીયામાં પડેલ પાવડાના હાથા વડે માર મારી છગનભાઇને જમણા હાથના ખંભા તથા માથાના ભાગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતાં અશોક ભાગી ગયો હતો. બાદ પોતાને અને દિયર છગનભાઇને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે શાંતુબેન મારૂની ફરિયાદ દાખલ કરી હેડ કોન્‍સ. જે.એમ.બોસીયાએ તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)