Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ફાયરીંગ કરી કૌટુંબીક ભાઇની હત્‍યાના કેસમાં ગોંડલના દેતડીયા ગામના સરપંચને આજીવન કેદ

જમીનના વિવાદ બાબતે કૌટુંબીક ભાઇ ભરત વાળાની ફાયરીંગ કરીને દેતડીયાના સરપંચ વિજય વાળાએ હત્‍યા કરી હતીઃ આરોપીની સ્‍વબચાવની રજૂઆત માની શકાય તેમ નથીઃ ફરિયાદપક્ષના વકીલ સ્‍તવન મહેતાની દલીલો ગ્રાહય રાખી, ગોંડલ સેસન્‍સ કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા.૨૮: ગોંડલના દેતડીયા ગામના સરપંચ વિજય દળુભાઇ વાળાએ તેના જ કૌટુંબીક ભાઇ ભરતભાઇ બીરછુભાઇ વાળાને ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દીધેલ અને ત્‍યારબાદ તે ગુન્‍હાના કામે તેની ધરપકડ થતા અને કેસ ચાલી જતા આરોપી વિજયભાઇને ગોંડલ સેશન્‍સ કોર્ટે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છેકે, ગુજરનાર ભરતભાઇ વાળા તેમના પીતાશ્રી પાસેથી ભાયુ ભાગમાં જમીન મળેલી જે બધા ભાઇઓએ આ જમીન આરોપી વિજયભાઇ વાળાને વેચાણ કરી દસ્‍તાવેજ કરી દીધેલ અને દસ્‍તાવેજ વખતે વાત થયેલ કે આ જમીનમાં જે વધારાની જમીન નીકળે તે પાછી આપવી પડશે અને આ જમીનમાં આઠ વીઘા જમીન બીજી વધારાની નીકળેલ જેથી તે જમીન ભરતભાઇ તથા તેના ભાઇઓ આરોપી પાસે માંગતા પણ આરોપીએ વધારાની જમીન પાછી આપતા નહી અને જે જમીન બાબતે વિવાદ ચાલતો હોય જેનો ખાર રાખી આરોપીએ તા.૨૧/૦૭/૨૦૨૦ના રોજ ભરતભાઇ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી લીધેલ અને તે સંદર્ભેની પોલીસ ફરિયાદ ગુજરનાર ભરતભાઇના પુત્ર જયદીપભાઇએ કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશનમાં કરેલ જેથી પોલીસ દ્વારા આરોપી સામે ઇ.પી.કો.કલમ-૩૦૨, તથા આર્મ્‍સ એકટની કલમ-૩૦ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ હેઠળ ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ હતો. કોટડાસાંગણી પોલીસ સ્‍ટેશનનાં અધિકારીઓ દ્વારા આરોપીની તા.૨૩.૦૭.૨૦૨૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ ત્‍યારબાદ પોલીસ દ્વારા તપાસનાં કામે આરોપી પાસેથી તેની લાઇસન્‍સ ૦.૩૨ બોર રીવોલ્‍વર કબજે કરવામાં આવેલ હતી. પોલીસે ત્‍યારબાદ સેશન્‍સ કોર્ટમાં ઇ.પી.કો.કલમ-૩૦૨ તથા આર્મ્‍સ એકટની કલમ-૩૦ વિગેરે હેઠળ ચાર્ર્જશીટ ફાઇલ કરેલ અને આરોપીએ નિર્દોષ હોવાનું કહેતા આરોપી સામે ટ્રાયલ શરૂ કરવામાં આવેલ હતો.

 આરોપી સામે ટ્રાયલ શરૂ થતાં મુળ ફરિયાદી વતી રાજકોટનાં એડવોકેટ સ્‍તવન મહેતા હાજર થયેલા અને સરકારી વકિલને ટ્રાયલમાં હેલ્‍પીંગ પ્રોસીકયુશન તરીકે મદદ કરેલ હતી. આ કામમાં પ્રોસીકયુશન દ્વારા કુલ-૧૭ સાક્ષીઓને જેમાં ફરિયાદી, નજરે જોનાર સાક્ષી, પીે.એમ.કરનાર ડોકટર, પંચ સાક્ષીઓ તથા પોલીસ અધિકારીઓને તપાસવામાં આવેલ હતા અને તેના આનુષાંગિક -૩૦ જેટલા દસ્‍તાવેજો રજુ રાખવામાં આવેલ હતા.

મુળ ફરિયાદીનાં એડવોકેટ દ્વારા રજુ રાખવામાં આવેલ લેખિત દલીલ તેમજ સરકારી વકિલ દ્વારા કરવામાં આવેલ મૌખિક દલીલ તથા આરોપીનાં એડકવોકેટ દ્વારા કરવામાં આવેલ લેખિત તથા મૌખિક દલીલનો તલસ્‍પર્શી અભ્‍યાસ કરી ગોંડલનાં સેશન્‍સ જજ એવા નિષ્‍કર્ષ પર આવેલ હતા કે, રજુ થયેલ તમામ પુરાવાઓને ધ્‍યાને લેતાં તેમજ  એફ.એસ.એલ., ગાંધીનગરનો રીપોર્ટ કે જેમાં સ્‍પૅષ્‍ટપણે પુરવાર થાય છે કે આરોપીની રીવોલ્‍વર ચાલુ સ્‍થિતિમાં હતી અને તેમાંથી જો ગોળી છોડવામાં આવે તો તે ઇજા કરી શકે તેમ હોય અને ગુજરનારની ખોપડીમાંથી મળી આવેલ જેથી તા.૨૧.૦૭.૨૦૨૨નાં રોજ આરોપી ગુજરનારને ગોળી મારી હત્‍યા કર્યાનું પુરવાર થાય છે તેમજ આરોપીપક્ષ દ્વારા લેવામાં આવેલ બચાવ કે આરોપીએ સ્‍વબચાવમાં ફાયરીંગ કરેલ હોય પરંતુ રેકર્ડ પર આરોપીને ઇજા થયેલ હોય તેવો કોઇ જ પુરાવો આવેલ નથી. ગોંડલ સેશન્‍સ કોર્ટ દ્વારા તમામ પુરાવાઓ તથા સંજોગોને ધ્‍યાને લઇ આરોપીને વિજય વાળાને ઇ.પી.કો.કલમ-૩૦૨ તથા આર્મ્‍સ એકટ મુજબ તકસીરવાન ઠેરવી ગુજરનાર ભરતભાઇ વાળાની હત્‍યાનાં ગુન્‍હામાં આજીવન કેદની સજા તથા રૂા.૫૦,૦૦૦/- દંડ ફરમાવેલ હતો.

આ કામે મુળ ફરિયાદી જયદિપભાઇ ભરતભાઇ વાળા વતી રાજકોટના ધારાશાષાી સ્‍તવન જી.મહેતા, નિકુંજ શુકલ, કુષ્‍ણગોર, બ્રિજેશ ચૌહાણ, ત્રિશુલ પટેલ તથા મદદનીશમાં ભૂષણ ઠક્કર રોકાયેલ હતા.

(1:29 pm IST)