Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

એક લડાઈ ટાઈપ -૨ ડાયાબિટીસ સામે

સમગ્ર વિશ્વમાં આપણો દેશ ડાયાબિટીસ કેપિટલ ગણાય છે,  શું તમે જાણો છો કે આપણા દેશમાં અંદાજિત દર છ માંથી એક વ્‍યક્‍તિને ડાયાબિટીસ છે. સામાન્‍ય માન્‍યતા એવી છે કે ડાયાબિટીસ એ મોટી ઉંમરના લોકો નો રોગ છે ,પરંતુ હકીકતમાં ડાયાબિટીસ તરૂણાવસ્‍થાના બાળકોથી લઈને દરેક ઉંમરના વ્‍યક્‍તિને હોઈ શકે છે, મોટાભાગના લોકોને થતું ટાઈપ -૨ ડાયાબિટીસ નિયંત્રિત કરી શકાય છે કારણ કે તે આપણી અયોગ્‍ય જીવનશૈલી તથા ખોરાકની ખરાબ આદતો અને ખોટી માન્‍યતાના લીધે થાય છે .જે રીતે કોઈપણ સમસ્‍યાનો નિવારણ તેના મૂળમાં રહેલા ખામીને દૂર કરવાથી આવી શકે છે તે જ રીતે ટાઈપ-૨ ડાયાબિટીસની સામે એક સારી જીવનશૈલી, નિયંત્રિત આહાર અસરકારક પુરવાર થઈ શકે છે.

અમે અહીં થોડા સૂચનો કરી રહ્યા છે જેને આપ આપની તાસીર તથા ડોક્‍ટરની સલાહ પ્રમાણે અપનાવી ટાઈપ-૨ ડાયાબિટીસ નિયંત્રિત કરી શકો છો.

(૧) ઓછા કાર્બોહાઈડ્રેટ,વધારે પ્રોટીન અને સારો ચરબીયુકત ખોરાકઃ-    ઓછા કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ખૂબ જ જરૂરી છે ,પરંતુ ખાલી આમ કરવાથી પરિણામ મળતું નથી તેથી શ્રેષ્‍ઠ પરિણામ માટે કાર્બોહાઈડ્રેટ જેવા કે બાજરો જુવાર,મકાઇ ,રાગી વગેરે લેવા સાથે પ્રોટીન જન્‍ય ખોરાક જેવા કે દાળ , કઠોળ, ડેરી પ્રોડકટ, બધા પ્રકારના બીયા(seeds) વગેરે અને સારી  ચરબીવાળો ખોરાક જેમ કે ઘી,કાચી ઘાણીનું તેલ, ટોપરાનું તેલ ડ્રાયફ્રુટ વગેરે લેવા જોઈએ આમ કરવાથી શરીરમાં હોર્મોન્‍સ બેલેન્‍સ થાય છે અને ઇન્‍સ્‍યુલીન નિયંત્રિત થાય છે જેના થકી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

(૨) બધો જ સારો ખોરાક લઈ શકાય પરંતુ માત્રા મર્યાદિત રાખવી જરૂરી છે :- ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઘણીવાર લોકો પોતાની રીતે ખાવાની અનેક વસ્‍તુઓ બંધ કરી દેછે  ,જે નુકસાનકારક સાબિત થઇ શકે છે કારણ કે હૃદય, હાડકાં ,કિડની આ બધા ની જાળવણી માટે સંતુલિત આહાર જરૂરી હોય છે અને ડાયાબિટીસ કંટ્રોલ કરવા જતા આ બધાને નુકસાન ન થાય તે જોવું પણ એટલું જ જરૂરી છે .આપણા શરીર માટે જરૂરી વિટામીન A,B,K નું સારી ચરબી(good fat) ને કારણે આપણા શરીર મા શોષણ થાય છે .કોઇપણ ખોરાક ના જરૂરી દ્યટકો નો ફાયદો લેવા તેને મર્યાદિત માત્રામાં લેવાં જોઈએ,અતિરેક  નુકસાનકારક છે. દાખલા તરીકે - તમને ડાયાબિટીસ છે - તો તમારે ભાત બંધ કરવાની જરૂર નથી,પરંતુ તેને મર્યાદિત માત્રામાં એટલે કે- એક વાડકી ભાત લઈ શકો છો પરંતુ સાથે એટલા જ પ્રમાણમાં દાળ,કઠોળ કે લીલોતરી શાક ભેળવીને લેવું જોઈએ .આ એક સંતુલિત આહાર નું ઉદાહરણ છે.

(૩) ખોરાક સાથે જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરીઃ- ડાયાબિટીસ જીવનશૈલી સાથે પણ જોડાયેલો રોગ છે આપણી નિયમિત રોજનીસી જેવી કે પૂરતી ઊંદ્ય, તણાવમુકત જીવન, યોગા, પ્રાણાયામ, વ્‍યાયામ, વોકિંગ વગેરે ખૂબ જ મહત્‍વનો ભાગ ભજવે છે. જંકફૂડ,સોફ્‌ટ ડ્રિન્‍ક, મીઠાઈ વગેરે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી છે. આપના શરીરને અનુરૂપ આવે તેટલું સ્‍વિમિંગ ,સાયકલિંગ વગેરે કરો ,આનંદમાં રહો .કોઈ શોખ રાખો અને વ્‍યસન મુક્‍ત જીવનશૈલી અપનાવો.

(૪) ફળો પણ ખાઇ શકાય પરંતુ અમુક શરતો સાથેઃ-  એક માન્‍યતા એવી છે કે ડાયાબિટીસ આવ્‍યું એટલે ફળો ખાવાના બંધ પરંતુ એવું જરૂરી નથી કારણકે ફળોમાં કુદરતી શર્કરા રહેલી હોય છે . હા, આ સાથે આપણે પહેલા વાત થઈ એ મુજબ આમાં પણ સંતુલિત આહાર ના મુદ્દા વિચારવા જોઈએ .જો ડાયાબિટીક વ્‍યક્‍તિ ફળ સાથે થોડા પ્રમાણમાં એટલે કે બે-ત્રણ બદામ અખરોટ લઈ લે તો તેમાં રહેલા ઘટકો blood sugar વધવા દેતું નથી, પરંતુ થાળ ભરીને ફળો ના ખાવા જોઈએ. એક સમયે એક જ ફળ ખાવું તથા દિવસમાં બેથી વધારે પણ ન ખાવા જોઈએ.

આપના ડાયાબિટીસને પડકાર આપતા નીચેના ખોરાકને આપની તાસીર પ્રમાણે અપનાવી મેળવો ભરપૂર ફાયદાઃ-

મેથીઃ- રાત્રે ૧૦થી ૧૫ દાણા પલાળી સવારે ખાલી પેટે ચાવી જવા તથા વધેલું પાણી પી જવું.વધારે માત્રા ન લેવી.

તજ લવિંગઃ- રસોઈમાં જયાં શકય હોય તેમાં તજ લવિંગનો ઉપયોગ કરવો.

 અળસીઃ- અળસી ફાઈબરથી ભરપૂર છે જે સલાડ, સૂપ, મુખવાસ વગેરેમાં ઉપયોગ કરી લઈ શકાય.

આમળાઃ- આમળાંમાં રહેલું ક્રોમિયમ સુગર કંટ્રોલમાં રાખે છે અને ઇન્‍સ્‍યુલિનની અસરકારકતા વધારે છે .

 હળદરઃ- હળદરમાં રહેલું કરક્‍યુમીન બ્‍લડ શુગર લેવલને કંટ્રોલમાં કરે છે.

 કારેલાના જયુસ :- કારેલા એ લો કેલરી, લો કાર્બોહાઈડ્રેટ, વિટામિન A અને C થી ભરપુર છે .અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે .

 લસણઃ- લસણ  બ્‍લડ સુગર  અને કોલેસ્‍ટ્રોલ કંટ્રોલમાં રાખે છે .

લીમડોઃ- લીમડામાં રહેલા enzymes બ્‍લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, વઘાર તથા ચટણીમાં ઉપયોગ કરી શકાય છે.

 એલોવેરાઃ- સવારે ખાલી પેટે લેવાથી બ્‍લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

 એપલ સાઇડર વિનેગરઃ- એક ચમચી એપલ સાઇડર વિનેગર એક ગ્‍લાસ પાણીમાં જમવાના અડધી કલાક પહેલાં લેવાથી sugar level કંટ્રોલમાં રહે છે.

ઉપર દર્શાવેલા સૂચનો તથા ખોરાક થકી આપ આપણા દેશમાં ખૂબ જ ફેલાયેલા આ નુકસાનકારક રોગ સામે લડત લડી શકશો અમને એવો વિશ્વાસ છે. આ સૂચનોનો અમલ કરતા પહેલા આપના ડોકટરની સલાહ લેવી જરૂરી છે તથા આપની તાસીરનો ખ્‍યાલ હોય તો તે પ્રમાણે તમારા ખોરાકમાં ફેરફાર કરો.

(3:50 pm IST)