Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સોપાન કોટેક્ષના ભાગીદારો સામેનો ૬૯.૨૦ લાખનો લેણી રકમનો દાવો મંજુર કરતી કોર્ટ

એડવોકેટ અર્જુનભાઇ પટેલની ધારદાર દલીલો માન્‍ય રખાઇ : સિવિલ કોર્ટનો વધુ એક ઐતિહાસિક ચુકાદો

રાજકોટ,તા. ૨૮  : સોપાન કોટેક્ષના ભાગીદારો વિરૂધ્‍ધ થયેલ ૬૯.૨૦ લાખની લેણી રકમ સંબંધેનો દાવો સિવિલ કોર્ટ મંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હિરેન એન્‍ટરપ્રાઈઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવિણભાઈ ડાયાભાઈ રામાણીએ લાલપર ગામે, મોરબી- વાંકાનેર હાઈવે, તા. વાંકાનેર જી. મોરબી ખાતે આવેલ સોપાન કોટેક્ષના નામથી ચાલતી જીનીંગ ફેકટરીના ભાગીદારો (૧) સુરેશ લાભશંકર શીલુ, મું. સાંકરવડી તે રાજુ, મહેશ અને મુકેશ શીલુના ભાઈ અને સદભાવના શરાફી સહકારી મંડળી ના સભ્‍ય, (ર) વિશ્‍વચંદ્ર ધિરજ જાવીયા (૩) જીતુ ખીમજી નકુમ (૪) કૈલાશ લખમણ નકુમ, મું. રંગાણી કોઠારીયાનાને કપાસ વેચવામાં આવેલ. જે કપાસની ખરીદીના નાણાં આ કામના પ્રતિવાદીઓ એટલે કે સોપાન કોટેક્ષના ભાગીદારોએ ન ચુકવતા તેમજ આ સોપાન કોટેક્ષના ભાગીદારો આ કાયદેસરના લેવાના થતા નાણા ફ્ર્રોડ તથા ચીટીંગ આચરી ઓળવી જવા માંગતા હોય જેથી હીરેન એન્‍ટરપ્રાઈઝે સોપાન કોટેક્ષ સામે રૂા. ૬૯,ર૦,૦૪૧/- અંકે રૂપીયા ઓગણા સીતેર લાખ વીસ હજાર એકતાલીસ પુરાની લેણી રકમ વસુલવા રાજકોટની સીવીલ કોર્ટમાં સ્‍પે.સમરી કેસ નં. ૪/ર૦ર૦ થી દાવો કરેલો.

આ દાવામાં કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રતિવાદીઓ એટલે કે સોપાન કોટેક્ષના ભાગીદારો દ્વારા બચાવ કરવા પરવાનગી માંગવામાં આવેલ. એડવોકેટ અર્જુન એસ. પટેલ દ્વારા દલીલ કરતા જણાવેલ કે હાલના કેસમાં જે ડેબીટ નોટો પ્રતિવાદીઓએ પુરાવા તરીકે રજુ રાખી બચાવની પરવાનગી માંગેલ તે ડેબીટ નોટો પાછળથી ફ્ર્રોડ આચરી ઉપજાવી કાઢેલ છે જે હકીકત આવી ડેબીટનોટો જોતાજ પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે.જે દલીલો માન્‍ય રાખી પ્રતિવાદીનો આવો જે બચાવ ડાઉટફુલ ગણી સોપાન કોટેક્ષ અને તેના ભાગીદારો વિરૂઘ્‍ધ દિવસ- ૩૦ માં દાવાની પ૦% રકમ લેખે રૂા. ૩૪,૬૦,૦ર૦/-કોર્ટમાં જમા કરાવવાની શરતે બચાવ કરવા પરવાનગી આપેલ હતી.

ત્‍યારબાદ સોપાન કોટેક્ષના ભાગીદારો દ્વારા નીયત સમય મર્યાદામાં આવી પ૦% રકમ કોર્ટ સમક્ષ જમા કરાવવામાં નિષ્‍ફળ ગયેલ હતા તેમજ સીવીલ અદાલતના હુકમ વિરૂઘ્‍ધ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ રેગ્‍યુલર સીવીલ એપ્‍લીકેશનના કામે પણ મનાઈ હુકમ/ સ્‍ટે મેળવવામાં નિષ્‍ફળ રહેલ જેથી હીરેન એન્‍ટરપ્રાઈઝના વકીલ અર્જુન એસ. પટેલ મારફત કોર્ટમાં સીવીલ પ્રોસીઝર કોડ ની જોગવાઈ અનુસાર હુકમનામું મેળવવા અરજી દાખલ કરવામાં આવેલ જે અરજીના કામે અદાલતને હીરેન એન્‍ટરપ્રાઈઝના વકીલ અર્જુન એસ. પટેલની દલીલો કરી જણાવેલ કે સોપાન કોટેક્ષના ભાગીદારો દ્વારા કોર્ટના હુકમનુ પાલન કરવામાં નીષ્‍ફળ ગયેલ છે તેમજ અદાલતના હુકમ સામે મનાઈ હુકમ મેળવવામાં પણ નિષ્‍ફળ ગયેલ છે જેથી અદાલત પાસે કાયદાકીય જોગવાઈ અનુસાર સદરહું દાવો મંજુર કરવો જરૂરી અને ન્‍યાયી જણાતા રાજકોટના મહેરબાન ૭ માં એડીશનલ સીવીલ જજ સાહેબશ્રી દ્વારા હીરેન એન્‍ટરપ્રાઈઝના ભાગીદારો સોપાન કોટેક્ષના ભાગીદારો પાસેથી રૂા. ૬૯,ર૦,૦૪૧/- અંકે રૂપીયા વસુલ કરવા હકકદાર છે તેવો હુકમ તથા હુકમનામું હિરેન એન્‍ટરપ્રાઈઝની તરફેણમાં ફરમાવેલ છે. જેથી હવે આ લેણી રકમ વસુલ મળવા સોપાન કોટેક્ષ અને તેના ભાગીદારોની મિલ્‍કતો જપ્‍તીમાં લઈ રકમ વસુલ મેળવવામાં આવશે.

આ દાવાના કામે હિરેન એન્‍ટરપ્રાઈઝ વતી એડવોકેટ શ્રી અર્જુન એસ.પટેલ, જવલંત આર. પરસાણા, સચીન બી. સગપરીયા, સત્‍યજીત જે. ભટ્ટી, મહેન એમ. ગોંડલીયા, જીગર બી. નસીત, મુકેશ જી. ગોંડલીયા, પૃથ્‍વીજીત ગૌસ્‍વામી રોકાયેલ છે.

(4:09 pm IST)