Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ભત્રીજીની છેડતી કરનારની હત્‍યાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૮: અત્રેના રૈયા રોડ પર સમૃધ્‍ધિ સોસાયટીમાં રહેતા ભદ્રેશ વિનોદભાઇ કુબાવતનાઓએ પોતાના ભાઇ જીજ્ઞેશ ઉર્ફે જીગાનું ખુન કરવા બદલ બજરંગવાડીમાં રહેતા મોહિત ઉર્ફે રોહિત ઉર્ફે ગજની સુરેશભાઇ ડોડીયા નામના ઇસમ સામે ફરીયાદ નોંધાવેલ હતી. સદરહું કેસ ચાલી જતાં સેશન્‍સ અદાલત દ્વારા આરોપી મોહિત ઉર્ફે ગજની સુરેશભાઇ ડોડીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ બનાવની ટુંકમાં હકીકત એવી છે કે, ગુજ. જીજ્ઞેશ ઉર્ફે જીગાએ આરોપી મોહિત ઉર્ફે રોહિત ઉર્ફે ગજની સુરેશભાઇ ડોડીયાની ભત્રીજીની મશ્‍કરી કરેલ હતી જે બાબતનો ખાર રાખી આરોપીએ તેને દારૂ પીવાના બહાને કંપાઉન્‍ડ વોલવાળા વંડામાં લઇ જઇ બાવળના લાકડાથી શરીરે ઇજા કરી તેનું મોત નિપજાવેલ હતું અને ત્‍યારબાદ આરોપીનું હોન્‍ડા, મોબાઇલ તથા રોકડા રૂપિયા લુંટીલ લઇ પુરાવાઓનો નાશ કરેલ હતો જે ગુન્‍હાની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન દ્વારા કરવામાં આવેલ અને આરોપી પાસે તમામ મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ તથા સાંયોગીક પુરાવાઓને આધારે નામ. અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

સદરહું કેસમાં નામ. અદાલત સમક્ષ ર૧ થી વધુ સાહેદોએ પુરાવાઓ રજુ રાખેલ હતો તેમજ ૩૦ થી વધુ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ થયેલ હતા. અદાલતે બનાવ સમયે આરોપી અને ગુજરનાર સાથે હોય તેવો પણ સાંયોગીક પુરાવો મળી આવેલ ન હતો તથા કોઇ સ્‍વતંત્ર સાહેદથી સમર્થન મળતું નથી તેમજ હેતુ પુરવાર થતો નથી. મુદામાલની ડીસ્‍કવરી પુરવાર થતી નથી કે ગુજરનારનો સમય પણ પુરવાર થતો નથી તેવું જણાવી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં મોહિત ઉર્ફે રોહિત ઉર્ફે ગજની સુરેશભાઇ ડોડીયા વતી એડવોકેટ પ્રફુલભાઇ વસાણી રોકાયેલ હતાં.

(4:14 pm IST)