Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાજકોટમાં શુક્રવારથી ૫૦માં ગોલ્ડન જયુબેલી દુર્ગા મહોત્સવ ઉજવાશે

બંગાળી પરિવારોને લાભ લેવા અપિલ : બાલભવનમાં પાંચ દિવસીય કાર્યક્રમઃ સ્વામી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન, મહાનુભાવોની હાજરી

રાજકોટઃ બંગાળી એસોસીએશન રાજકોટના પરિવારો દ્વારા તા.૩૦/૯ થી તા.૫/૧૦ દરમ્યાન બાલભવન, નરભેરામ ઓપન એર થીયેટર (રેસકોર્ષ) ખાતે ૫૦મા ગોલ્ડન જયુબેલી દુર્ગા મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ હાથ ધરાયેલ છે.

૧૫ દિવસ પહેલાથી સમગ્ર ભારતમાં મા દુર્ગાના આગમનની તૈયારી કરવામાં આવે છે. આ પ્રસંગે શકિત દેવી પુજાના સાત પ્રકારના ખાસ કલ્પ હોય છે. તે પૈકી પહેલા કલ્પમાં તા.૧/૧૦ના રોજ બોધન પુજા - આગમની છે. આર્દ્રા નક્ષત્રમાં આ બોધન એટલે ઉદ્બોધન- દેવી દુર્ગાના આગમનની તૈયારી રૃપે પુજા અર્ચના કરવી તેવું થાય છે. આખાયે ભારત વર્ષમાં આ દુર્ગા મહોત્સવ ખુબ જ ધાર્મિક વિધિવત પુજા દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમ્યાન સવાર- સાંજ પુજા- અર્ચના, અંજલી અને સંધ્યા આરતી દ્વારા સમગ્ર માહોલને ભકિતમય બનાવવામાં આવે છે. જાણે કે બંગાળની સંસ્કૃતિ રાજકોટ અને આખાય ગુજરાતભરમાં ઉભરી આવેલ હોય તેવો ભકિતમય માહોલનો અહેસાસ થતો હોય છે.આ મહોત્સવ નિમિતે મુખ્ય અતિથી પદે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખીલેશ્વરાનંદજી મહારાજ પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૃપાણી, ગુજરાત રાજયના માર્ગ, ઉડ્ડાયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, અતિથી વિશેષ તરીકે મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, પૂર્વ મેયર શ્રીમતી બિનાબેન આચાર્ય, ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ, શ્રી ભૂપતભાઈ બોદર, પ્રમુખશ્ર, જિલ્લા પંચાયત, રાજકોટ તા.૩૦ના શુક્રવારના મહાપંચમી ઉપલક્ષ્યે રાત્રીના ૮ કલાકે મહોત્સવના પ્રારંભમાં ઉપસ્થિત રહેનાર છે. આ શુભ અવસરમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખીલેશ્વરાનંદજી મહારાજનું શ્રી શ્રી મા દુર્ગાની સ્તુતિ અન્વયે એક ધાર્મિક પ્રવચન આપીને આ ઉત્સવને ખુલ્લુ મૂકવામાં આવશે.

તા.૧/૧૦ શુક્રવારે મહા સસ્ઠીના રોજ ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે, અતિથી વિશેષ તરીકે સર્વશ્રી ડો.ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ચેરમેન શ્રી મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ, જિલ્લા કલેકટર શ્રી અરૃણ મહેશ બાબુ, રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા રાજકોટ મ્યુનિ. કમિશ્નરશ્રી અમિત અરોરા ઉપસ્થિત રહેનાર છે. આ મહા સસ્ઠીના શુભ અવસરના રાત્રીના ૮ વાગ્યે શ્રી મા દુર્ગાના આગમનને આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માં દુર્ગાની વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ  છે. જેને બોધન, આગમની, અધિવાસની વિધિ કહેવાય છે. તો આ ઉપલક્ષ્યે રાજકોટની જનતાને અચૂક લાભ લેવા બંગાળી એસોસીએશન રાજકોટનાં પ્રમુખ શ્રી દિલીપ સરકાર, મંત્રીશ્રી સુભેંદુ ચંદા, પૂજા આયોજન કમિટિના પ્રમુખ ડો.દિલીપ ઘોષ, મંત્રીશ્રી શ્યામલ સાસમલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

૫૦માં વર્ષની ઉજવણીમાં મા દુર્ગાની અજોડ પ્રતિમા (મૂર્તિ), દુર્ગાની મુર્તિને અનોખુ રૃપ ખાસ શણગાર સાથે રાજકોટમાં જ કોલકતાથી આવેલ ખાસ કારીગર દ્વારા તૈયાર કરવામાં આવે હોય તેના દર્શનને લહાવો લેવા વિનંતી કરાઈ છે. આ ઉત્સવ દરમ્યાન બંગાળી પરિવારો દ્વારા તા.૩૦/૯ થી તા.૪/૧૦ દરરોજ સાંજના ભાગમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. તા.૫/૧૦ના બુધવારના રોજ દશેરા નિમિતે શ્રી શ્રી મા દુર્ગામાની મૂર્તિનું વિસર્જન બપોરના ૪ વાગ્યે કરવામાં આવશે.

આ મહોત્સવને સફળ બનાવવામાં બંગાળી એસોસીએશન રાજકોટ (બીએઆર) તથા દુર્ગા પૂજા આયોજન કમિટિના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૯૦૯૯ ૯૧૮૨૫ ઉપર સંપર્ક કરવા બંગાળી એસોસીએશન રાજકોટના પ્રમુખ દીલીપ સરકારની યાદીમાં જણાવાયું છે.

(5:19 pm IST)