Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

રાત્રી કર્ફયુને કારણે હોટલ - રેસ્ટોરન્ટના બિઝનેસને ફટકો : નાસ્તાની લારીવાળાની માઠી

લોકો માંડ ઘરોની બહાર નીકળતા થયા ત્યાં રાત્રી કર્ફયુથી પરેશાની : હોટલ માલિકો

રાજકોટ તા. ૨૮ : દિવાળીની છૂટછાટો સરકાર અને પ્રજા બંનેને ભારે પડી ગઇ હોય તેમ એકાએક રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં એક અઠવાડિયાથી રાત્રી કર્ફયુ આવી પડયો છે. એના કારણે માંડ માંડ થાળે પડેલા હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયને માઠી અસર થવા લાગી છે. શહેરોમાં બપોરની થાળીનો વ્યવસાય તો પૂરપાટ ચાલતો હોય છે પરંતુ બિઝનેસમેન અને નોકરીયાત વર્ગ સામાન્ય રીતે રાત્રે બહારની ખાણી-પીણી પસંદ કરતો હોય છે. જેના પર હવે રોક લાગી ગઇ છે.

ખાણી-પીણી માટે રાત્રી બજારો હવે આઠ વાગ્યામાં બંધ થઇ જાય છે. કોર્પોરેશન અને પોલીસ આઠ વાગ્યાથી રેંકડીઓ કે ફૂડ વ્હીકલને રસ્તો ખાલી કરાવી દે છે પરિણામે નાના ધંધાર્થીઓને મુશ્કેલી પડવા લાગી છે. એ જ રીતે હોટેલોમાં આવતા લોકો પણ હવે અદ્રશ્ય થઇ ગયા છે. માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી હોટેલોમાં રાત્રે ડિનર લેવા કોઇ સમયને કારણે આવતું ન હતું. માંડ એકાદ મહિનો સ્થિતિ સારી રહી ત્યાં ફરીથી કોરોનાના કેસ વધતા લોકો આવતા અટકી ગયા છે.

ઇમ્પિરિયલ હોટેલના અતુલ શેઠ કહે છે, કોરોનાની સ્થિતિ રાજકોટમાં વણસે તે પૂર્વે કર્ફયુ જરૂરી હતો. રેસ્ટોરાંના રૂટિન બિઝનેસને પણ અસર થશે. પરંતુ તે શહેર માટે સારી બાબત છે. વાતાવરણ સારૃં થઇ જાય પછી વ્યવસાય તો ચાલવાનો જ છે. આખરે જાન હૈ તો જહાં હૈ.

અનલોક પછી ખાસ્સા સમય બાદ લોકો હોટેલ અને રેસ્ટોરાંમાં ભોજન માટે આવતા થયા હતા. પરંતુ રાત્રિ કર્ફયુને લીધે ફરીથી લોકો આ તરફ આવતા અટકી જશે તેમ ફોર્ચ્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ હોટેલના શેફ અમિતાસિંઘ પરસોડા કહે છે. તેમણે કહ્યું કે, રેસ્ટોરા બિઝનેસ ખાસ્સા સમય બાદ પાટે ચડયો હતો તે અટકતા દરેકની મુશ્કેલી વધશે. લગ્નના આયોજનોમાં પણ સમસ્યા થશે.

ચૌકી ધાણીના નેમિ ખખ્ખરે કહ્યું હતું કે, હવે રેસ્ટોરાં અને ખાસ કરીને ડિનરનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઇ જશે. જોકે અગાઉ ગોઠવેલા રાત્રીના ફંકશનો પણ અટકી પડયા છે કે આઠ વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવા પડે છે.

કોરોનાનો ડર હળવો થવાને લીધે લોકો ધીરે ધીરે રેસ્ટોરાં - હોટેલો અને બહારના ફૂડ તરફ ફરીથી વળવા લાગ્યા હતા પરંતુ હવે આ બિઝનેસને સૌથી માઠી અસર થવાની છે. હોટેલ - રેસ્ટોરાં હજુ આ ફટકો સહન કરી શકે તેમ છે પરંતુ લારીવાળા કે વેનમાં ધંધો કરતા વર્ગને આર્થિક ફટકો પડશે એમાં બેમત નથી. (સૌજન્ય વ્યાપાર)

(11:43 am IST)