Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

આગ લાગવાની ઘટના અંગે સવારથી સર્કીટ હાઉસ ખાતેથી તપાસનો ધમધમાટ : એ.કે.રાકેશ દ્વારા કલેકટર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ : પ્રાથમિક રીપોર્ટ મેળવાયો

પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરના અધિકારીઓએ કરેલી તપાસનો પણ રીપોર્ટ જોયો : હોસ્પિટલ અંગેની તમામ માહિતી આપવા પણ સુચના : એ.કે.રાકેશ સાંજે ગાંધીનગર જશે

રાજકોટની મવડી વિસ્તારમાં ઉદય કોવિડ શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ અને ૫ના મોતની ઘટનાના ઘેરા પડઘા પડતા રાજય સરકારે હાઈલેવલ તપાસના આદેશ કર્યા બાદ ગઈકાલે રાજકોટ આવી પહોંચેલ અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે.રાકેશે આજે બીજા દિવસે પણ પોતાની તપાસ આગળ વધારી છે.

આજે સવારે ૧૧ વાગ્યાથી સર્કિટ હાઉસ ખાતે બનેલ ઘટના તેમજ સાંજ સુધીમાં આવનારા એફએસએલ રીપોર્ટ અને ઈલેકટ્રીક ઈન્સ્પેકટરના રીપોર્ટ અંગે રાજકોટના ૪ મુખ્ય અધિકારી કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ, ડીડીઓ શ્રી રાણાવસીયા અને એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યા સાથે મીટીંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. આ લખાય છે ત્યારે બપોરે ૧૨ વાગ્યે પણ મીટીંગ ચાલુ છે.

તપાસનીશ અધિકારી શ્રી એ.કે.રાકેશે પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરે પોતાના જે અધિકારીઓને તપાસ સોંપી છે તેમનો પણ પ્રાથમીક રીપોર્ટ માંગ્યો હતો. તેમાં હોસ્પિટલમાં એન્ટ્રી, એકિઝટના દરવાજા, વેન્ટીલેટર, આગ કેવી રીતે લાગી, કયારે લાગી, સીસીટીવી કેમેરાનો રીપોર્ટ, આગ લાગ્યા બાદની કાર્યવાહી તથા હોસ્પિટલ દ્વારા સરકારી નિયમોનું કયાંય ઉલ્લંઘન છે કે કેમ તે પણ વિગતો ચકાસી હતી. આજ સાંજ સુધીમાં તમામ રીપોર્ટ મેળવ્યા બાદ શ્રી એ.કે.રાકેશ ગાંધીનગર પરત ફરશે અને સરકારને સંભવતઃ રવિવારે મોડી સાંજ સુધીમાં રીપોર્ટ આપે તેવી શકયતા ટોચના વર્તુળો દાખવી રહ્યા છે. આજે સવારે સર્કીટ હાઉસ ખાતે મીટીંગ મળનાર હોય સર્કીટ હાઉસ ખાતે રાજકોટની ચેનલવાળા અને તમામ પત્રકારો ઉમટી પડ્યા છે. બપોરે ૧ વાગ્યાની આસપાસ એ.કે. રાકેશ પોતે પત્રકારો સાથે વાત કરે તેવી શકયતા હોવાની સૂત્રો જણાવી રહ્યા છે.

(1:16 pm IST)