Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રાજકોટ શહેર - જિલ્લામાં કાયદો - વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નિયંત્રણમાં : કલેકટરે ચૂંટણી પંચને રીપોર્ટ પાઠવ્‍યો

સ્‍પેશિયલ ઓબ્‍ઝવર્સ દ્વારા સમીક્ષા : વીસીમાં તમામ બાબતો અપાઇ

રાજકોટ, તા. ૨૫ નવેમ્‍બર - ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે આજે સ્‍પેશિયલ જનરલ ઓબ્‍ઝર્વરશ્રી અજય વી. નાયક તથા  સ્‍પેશિયલ પોલીસ ઓબ્‍ઝર્વરશ્રી દીપક મિશ્રાની અધ્‍યક્ષતામાં વીડિયો કોફરન્‍સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાની કામગીરીની વિગતો રજૂ કરી હતી. રાજકોટ જિલ્લામાં ચૂંટણીની કામગીરી ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ગતિમાન તેમજ સંતોષકારક હોવાનો અને કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ નિયંત્રણમાં હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્‍યો હતો.

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી મુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં યોજાય તે માટે બંને સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વર દ્વારા સ્‍ટાફ રેન્‍ડમાઈઝેશન, ઈ.વી.એમ. મેનેજમેન્‍ટ, પોસ્‍ટલ બેલેટમાં રાખવાની સાવધાની, સુરક્ષા વ્‍યવસ્‍થા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ વીડિયો કોન્‍ફરન્‍સમાં ગાંધીનગરથી રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતી તેમજ અન્‍ય અધિકારીઓ જોડાયા હતા.

જયારે રાજકોટથી જનરલ ઓબ્‍ઝર્વર્સ સર્વ શ્રી નીલમ મીના, શ્રી શિલ્‍પા ગુપ્તા, શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી. જયોત્‍સના, શ્રી મિથીલેશ મિશ્રા, શ્રી પ્રીતિ ગેહલોત, પોલીસ ઓબ્‍ઝર્વરશ્રી એસ. પરીમાલા, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, રેન્‍જ આઈ.જી. શ્રી અશોક યાદવ, રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ.જે. ખાચર ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:58 am IST)