Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પેન્શનરોએ માર્ગદર્શન કે સુચના વગર ફોર્મ કે ફી ભરવાની વાતોમાં આવવુ નહીં : હસુભાઇ દવે

એસ.ટી. અને વિદ્યુતના પેન્શનરોની મીટીંગો ગેરમાર્ગે દોરી રહી હોય સાવચેત રહેવા ટકોર

રાજકોટ તા.૨૮ : ભારતીય મઝદુર સંઘ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસમુખભાઇ દવે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા રીઝીયોનલ કમીટી (પી.એફ.) ગુજરાત સ્ટેટ મેમ્બર વાલજીભાઇ ચાવડાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે પેન્શન અંગે નામદાર સુપ્રીમ કોર્ટે તા.૪-૧૧-૨૦૨૨ ના ચુકાદો આપેલ છે. આ ચુકાદામાં તા.૧-૯-૨૦૧૪ અને ત્યાર પછીના વધારે પગાર મેળવતા અને આ પ્રમાણે જેને ફાળો આપેલ છે તે અંગે ચુકાદામાં ઉલ્લેખ છે.

ઇપીએફઓએ આ બાબતમાં કોઇ નિર્ણય કરેલ નથી કે સર્કયુલર બહાર પડેલ નથી. પરંતુ એસ.ટી. તથા વિદ્યુતના પેન્શન કર્મચારીઓના આગેવાનો અલગ અલગ જગ્યાએ મીટીંગ લઇ લવાજમ તથા રૃ.૧૦૦૦ ફોર્મ ભરવાના ઉઘરાવી રહ્યા છે. આ ફોર્મ જુનુ છે. જેનો અત્યારે કોઇ અર્થ નથી. એસ.ટી. પેન્શનર યુનિયને તા. ૨૬/૨૭ નવેમ્બર ૨૦૨૨ ના દક્ષિણ ગુજરાતમાં આ અંગે મીટીંગ રાખેલ છે એ સુપ્રિમ કોર્ટમાં જવુ છે તેમ કહી અલગ ફી ના પૈસા પણ ઉઘરાવે છે. આવુ જ વિદ્યુતમાં પણ છે.

ત્યારે હસુભાઇ દવે અને વાલજીભાઇએ સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે બન્ને યુનિયનો જે પ્રકારની કાર્યવાહી કરે છે તે યોગ્ય નથી અને હાલ કોઇ ફોર્મ ભરવાની જરૃરીયાત પણ નથી. આ બાબતમાં આરપીએફસી રીઝયોનલ ઓફીસ ત્રિવેન્દ્રમ (કેરલ) એ જાહેર નોટીસ બહાર પાડેલ છે અને જણાવેલ છે કે હેડ ઓફીસથી જયારે સુચનો આવશે ત્યારે જાહેરાત આપી કાર્યવાહી કરાશે. બાકી અત્યારે કંઇ કરવાની જરૃર નથી.

ફોર્મ અને રૃ.૧૦૦૦ ની ઉઘરાણી અંગે રીઝીયોનલ પ્રોવ્ઝિનલ ફંડ કમિશ્નરને પત્ર લખી આ બાબતે સ્પષ્ટતા કરવા જણાવાયુ છે. જેથી આ બાબતે કોઇ સ્પષ્ટતા ન આવે કે ઇપીએફઓ દિલ્હી તરફથી સુચના ન મળે ત્યાં સુધી કોઇએ આવા ફોર્મ ભરવા નહીં કે સુપ્રિમમાં જવાની વાતોમાં નહીં ભરમાવા અંતમાં હસુભાઇ દવે (મો.૯૯૭૮૪ ૪૫૭૨૦) અને વાલજીભાઇ ચાવડા (મો.૯૮૨૫૦ ૯૫૫૯૯) ની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(12:09 pm IST)