Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ખંભાળીયામાં લોહાણા સમાજની બેઠકમાં ભાજપના ઉમેદવાર અને જલારામ બાપાના ફોટા સાથેનું પોસ્ટર મુકાતા નારાજગી

ખંભાળીયામાં બચ્છા હોલ ખાતે ભાજપ પ્રેરિત રઘુવંશી સમાજનો સ્નેહ મીલન જેવો એક કાર્યક્રમ ગત રાત્રીના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં સ્ટેજ પર લગાવવામાં આવેલા બેનરમાં ભાજપના ઉમેદવારના  ફોટાની સામે જલારામ બાપાનો ફોટો મુકવામાં આવેલ. સમાજના જ બુધ્ધિજીવી વર્ગમાં નારાજગી સાથે ચર્ચા ઉઠી હતી કે, ભાજપ રામના નામ ઉપર મત માગી રહી હતી ત્યાં સુધી બરાબર છે. પણ ચૂંટણી સમયે સમગ્ર લોહાણા સમાજના આરાધ્ય દેવ ગણાતા પૂ. જલારામ બાપાનો પણ ઉપયોગ કરી ધર્મના નામે અને જલારામ બાપાના નામે લોહાણા સમાજના મત માગી રહ્યા હોય તેવું વાતાવરણ ઉપસી રહ્યું છે. આ ચર્ચામાં માત્ર ભાજપ જ કે તેના ઉમેદવાર જ નહીં પરંતુ સભાનું આયોજન કરનારાઓ ઉપર પણ સમાજના બુધ્ધિજીવી વર્ગ નારાજગી દર્શાવી મભમમાં કહયું હતું કે, સમાજના નામે રાજકારણ કરી ભલે આગળ વધે પણ સમાજના આરાધ્ય દેવ પૂજય જલારામ બાપાના નામ ઉપર કે તેના ફોટાને આગળ ધરીને સમાજની આસ્થા સાથે ખીલવાડ ન કરો તો વધુ સારૃ રહેશે, સમાજનું ગૌરવ જળવાશે.

કેટલાક લોકોએ એવું પણ કહયું હતું કે, જલારામ જયંતિ નિમિતે કયારેય મુળુભાઇ બેરાના ફોટો સાથેના પોસ્ટર જોવા નથી મળ્યાં કયારેય એક પણ પોસ્ટરમાં જલારામ જયંતિની શુભેચ્છા પાઠવતા પણ નથી જોવા મળ્યા અને કદાચ ત્યારે પોસ્ટર લગાવ્યા હોય તો પણ એ પ્રસંગની વાત છે, શોભે પણ ખરા. પણ ચૂંટણી સમયે જલારામ બાપાનો ફોટો મુકવો એ યોગ્ય ન કહી શકાય આવી અનેક ચર્ચા સાથે રાજકીય માહોલ પણ ગરમાયો હતો.

(3:46 pm IST)