Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મતદાન એ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ છેઃ પાયાની લોકશાહીનું જળવાશે માન, જ્યારે આંગળી પર લાગશે નિશાનઃ રમેશ ઠક્કર

લોકશાહી એટલે સામાન્ય રીતે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકો જેને મત આપીને ચંૂટે એ જ સત્તા પર આવે અને એના દ્વારા જ સત્તા ચાલે,દેશ ચાલે. હવે જ્યારે મતદાન કરવાનો અને ખરેખર સત્તા પર કોણ બેસશે તે નક્કી કરવાનો સમય આવે છે ત્યારે  એક નાગરિક તરીકે લોકો કયારેક મતદાન કરવાની ફરજ ચુકી જાય છે.

લોકશાસનમાં, સામાન્ય રીતે ચૂંટતી વખતે મતદાનને લાગુ પાડવામાં આવે છે. જેથી ઉમેદવારોમાંથી એક મતદાતા કોઇ એકને પસંદ કરી અને મત આપી શકે છે, લોકશાહીમાં મતદાતા તેમની સરકારમાં પોતાનો પ્રતિનિધિ નિયુકત કરે છે. મતદાનમાં મત આપવો એક વ્યકિતગત કાર્ય છે, જેનાથી વ્યકિત એક ચોક્કસ સભ્ય, સભ્યોની ચૂંટણી, કે એક રાજકીય પક્ષના એક ચોક્કસ પ્રસ્તાવને પસંદ કે પોતાનો ટેકો પૂરો પાડે છે. મારા એક મતથી શું થશે?  હું મતદાન નહિ કરૃ તો શું ફેર પડશે? હવે એમાં મત શું આપવાનો જેને આવવુ હોય એ આવે. આવા ઘણા વિચારો દ્વારા લોકો મતદાન નથી કરતા હોતા અને પછી જે કોઇ સરકાર આવે અને વિવિધ નિર્ણયો લે ત્યારે તેમને ક્રીટીસાઇઝ કરતા હોય છે. સરદાર  પટેલ કોર્પોરેશનમાં એક મતને કારણે ચંૂટણી હારી ગયા હતા તો એક મત વધુ મળવાથી હિટલર નાઝી પાર્ટીનુ પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો.એક મત ઓછો મળવાને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં જવું પડ્યુ હતું. જ્યારે મતદાનનો સમય જતો રહે એ પછી કંઇ જ ન થઇ શકે. આથી મતદાન કરવુએ સામાન્ય નાગરિકની ફરજ જ નહિ અધિકાર પણ છે. હવે સમય આવી ગયો છે. જવાબદારીથી લોકશાહીની ફરજ નિભાવવાનો, મતદાન માત્ર કરવા ખાતર નહી પણ રાષ્ટ્ર નિર્માણ માટે કરીએ, આવો આપણે  સહુ કૃતસંકલ્પ બની, રાષ્ટ્ર સેવા માટે ૧૦૦% મતદાન કરીએ.

(3:48 pm IST)