Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

શનિવારથી ગૂમ શાંતિનગરના સોની યુવાન કિશનની ન્યારી-૨ ડેમમાંંથી લાશ મળી

આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાની શકયતાઃ શનિવારે નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ હતોઃ ડેમ પાસેથી મોબાઇલ, બાઇક મળતાં તપાસ થતાં લાશ મળતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૮: રામાપીર ચોકડીથી આગળ મિલેનિયમ હાઇટ્સ પાસે શાંતિનગર-૩માં રહેતો સોની યુવાન કિશન રમેશભાઇ મોડાસરા (ઉ.વ.૨૯) શનિવારે નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થયા પછી આજે તેની લાશ પડધરીના રંગપર હનુમાનધારા નજીક ન્યારી-૨ ડેમમાંથી તેની લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આર્થિક સંકડામણ-દેણાને કારણે આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

જાણવા મળ્યા મુજબ શાંતિનગર-૩માં રહેતો કિશન મોડાસરા શનિવારે ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યા બાદ પરત ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી. ગૂમ થયેલા કિશનનો કોઇ પત્તો ન મળતાં વ્યાકુળ પરિવારજનોએ પોલીસની મદદ લઇ શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન આજે સવારે ન્યારી-૨ ડેમ નજીક કિશનનું બાઇક અને મોબાઇલ ફોન મળતાં ડેમમાં તપાસ કરતાં તેની લાશ મળી આવી હતી. પડધરી પોલીસ મથકના હેડકોન્સ. રણજીતભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ કિશન બે ભાઇમાં મોટો હતો અને તેના લગ્ન થઇ ગયા હતાં. પત્નિનું નામ પૂજા છે. પિતા રમેશભાઇ દરજી કામ કરે છે. કિશન સાડીના શો રૃમમાં નોકરી કરતો  હતો. અગાઉ તેણે ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હતી. બાદમાં પિતાએ રકમ ભરપાઇ કરી હતી અને કાર્ડ બંધ કરાવ્યા હતાં. ફરીથી તેને પૈસાની જરૃર પડતાં ફરી લોન લીધી હતી અને ઉઘરાણી ચાલુ થઇ હતી. આર્થિક ભીંસ અને દેણામાં આવી જતાં તેણે આ પગલુ ભર્યાની શકયતા છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:51 pm IST)