Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મધુની કડક પુછતાછમાં તરઘડીના ગૂમ ગૌતમની હત્યાનો ભેદ ખુલ્યો

હત્યાનો ભોગ બનનાર ગૌતમે છેલ્લે કુવાડવાની મધુ સાથે વાત કર્યાનું ખુલતા પડધરી પોલીસની પુછતાછમાં મધુએ વટાણા વેરી નાખ્યાઃ આરોપીઓ હાથવેંતમાં

રાજકોટ, તા., ર૮: પડધરીના તરઘડી ગામના ગૂમ દલીત યુવાન ગૌતમ ગોહેલ (ઉ.વ.ર૩)ની હત્યાનો ભેદ મધુની કડક પુછપરછમાં ખુલ્યો હતો. પોલીસે તુર્ત જ મધુની કેફીયતના આધારે હત્યાનો ભોગ બનનાર ગૌતમની લાશ બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તરઘડીના ગૌતમ ગોહેલ (ઉ.વ.ર૩) ગત તા. ૧૪ મીએ ઘરેથી નીકળ્યા બાદ તેનો કોઇ પત્તો ન મળતા તેના પરિવારજનોએ પડધરી પોલીસ મથકમાં ગુમસુધ્ધાની જાણ કરી હતી. પડધરીના પીએસઆઇ યાદવ તથા રાઇટર જીતેન્દ્રસિંહ સહીતના સ્ટાફે ગુમ થયેલ ગૌતમ ગોહેલની કોલ ડીટેઇલ કઢાવતા ગૌતમે છેલ્લે કુવાડવાની મધુ સાથે વાત કર્યાનું ખુલ્યું હતું.

પડધરી પોલીસના કાફલાએ કુવાડવા જઇ મધુ ગોહેલની કડક પુછપરછ કરતા ગૂમ થયેલ ગૌતમની ગૌરીદડની વીડીમાં શૈલેષ ભરવાડ તથા તેના ભાઇ સાગર ભરવાડે પુર્વયોજીત કાવત્રુ રચી હત્યા કરી લાશ તરઘડીના વાડામાં દાટી દીધાની કેફીયત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તુર્ત જ હત્યાનો ભોગ બનનાર ગૌતમ ગોહેલની લાશ બહાર કઢાવી હતી.

 ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. હત્યાની ઘટનાને અંજામ આપનાર બંન્ને ભાઇઓ અને કાવત્રામાં સામેલ મધુ હાથવેંતમાં હોવાનું પોલીસે જણાવ્યુ છે.

(3:53 pm IST)