Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પ્રમુખમાર્ગઃ વૈષ્‍ણવ અગ્રણી

પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજ શતાબ્‍દી લેખમાળા

ભગવાન ઋષભદેવના નવપુત્રો યુવાનીમાં વૈરાગ્‍ય ધારણ કરી યોગેશ્વર થયા હતા. આ નવયોગેશ્વરો સાથે રાજા જનકની મુલાકાત થઈ. રાજા જનક પણ સંસારમાં હોવા છતાં સંસારથી વિરકત રહેતા હતા સંસારના સુખથી વિતરાગી અને ભગવાનમાં રાગી આ મહાપુરૂષોના મિલનની વાત શ્રીમદ્‌ ભાવગતના અગિયારમાં સ્‍કંધમાં આવે છે. ભગવાનમાં રત એવા મહાપુરૂષોના સંવાદમાં પણ અધ્‍યાત્‍મ સિવાય બીજી કઈ વાત હોય?

રાજા જનકને ઉત્તમ વૈષ્‍ણવ એટલે કે ઉત્તમ ભક્‍તની વાત કરતા ‘હરિ'નામના યોગેશ્વરે કહ્યું :

‘ત્રિભુવનવિભવહેતવેપ્‍યકુણ્‍ઠ સ્‍મૃતિરજિતાત્‍મસુરાદિભિર્વિમૃગ્‍યાત્‌ &

ન ચભતિ ભગવત્‍પદારવિન્‍દા- લ્લવનિમિષાર્ધમપિ સ વૈષ્‍ણવાગ્રયઃ &&'

જે મનુષ્‍ય ત્રણે લોકના વૈભવ મળે તો પણ દેવોને શોધવા યોગ્‍ય ભગવાનના ચરણારવિંદથી અર્ધી ક્ષણ પણ ચલિત થતા નથી (તે ભગવાનના અખંડ સ્‍મરણ કરનાર ભક્‍ત) ઉત્તમ વૈષ્‍ણવ છે.

ભગવાનનું અખંડસ્‍મરણ થવું તે દુર્લભ વાત છે. ભગવાન સ્‍વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે ‘ભગવાનના સ્‍વરૂપમાં મનની વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્‍યના મનની વૃત્તિ ભગવાનના સ્‍વરૂપમાં અખંડ રહે તેને તેથી બીજી અધિક પ્રાપ્‍તિ શાષામાં કહી નથી.

પ્રમુખસ્‍વામી મહારાજ જેવા સંતોની વિશેષતા એ છે કે તેઓ અખંડ ભગવત્‍સમરણમાં, ભજનમાં રત હોય છે. સુખ કે દુઃખ, માન કે અપમાન, કોઈપણ પ્રસંગમાં તેઓ ભગવાનથી વિચલિત થતા નથી.

ગોંડલમાં ૧૩/૦૩/૧૯૭૫ના દિવસે પ્રમુખસ્‍વામી મહારાજ માટે નવા ઉતારાની વ્‍યવસ્‍થા થઈ હતી. તેઓ ગોંડલ પધારે ત્‍યારે નવા ઉતારામાં ઉતરે તેવી સૌની ઇચ્‍છા હતી. પ્રમુખસ્‍વામી મહારાજ ગોંડલ પધાર્યા ત્‍યારે સૌએ નવા ઉતારામાં રહેવા વિનંતી કરી પણ પ્રમુખસ્‍વામી મહારાજે આગ્રહપૂર્વક ના પાડી અને કહ્યું કે ‘પહેલા ઠાકોરજી એક રાત ત્‍યાં નિવાસ કરે પછી બધી વાત' સુખની કોઈપણ ક્ષણોમાં તેમને સૌ પ્રથમ ઠાકોરજી જ યાદ આવતા.

૧૯૯૮માં પ્રમુખસ્‍વામી મહારાજ હૃદયની તપાસ માટે ન્‍યુયોર્ક હોસ્‍પિટલમાં પધાર્યા હતા. એન્‍જયોગ્રાફી કરતા ડો. મોસેસ અને ડો. શ્વોર્ટ્‍ઝને ખ્‍યાલ આવ્‍યો કે તાત્‍કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે. તે માટે ઓપરેશનનો સમય તરત જ નિヘતિ સમયે પ્રમુખસ્‍વામી મહારાજને લગભગ સાડા અગિયાર વાગ્‍યે ઓપરેશન થિયેટરમાં આવવા જણાવ્‍યું ત્‍યારે તેઓ થોડો વિલંબ કરી રહ્યા હતા. પરિસ્‍થિતિ ગંભીર હતી તેથી આ વિલંબ પોષાય તેમ નહોતો. સ્‍વામીશ્રીએ બપોરે ૩ વાગ્‍યે ઓપરેશનમાં જવાનું કહ્યું. ૭૮વર્ષની ઉંમરે ખરેખર ગંભીર છતાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ થયું. ઓપરેશન બાદ એક-બે અઠવાડિયા પછી સ્‍વામીશ્રીને આનું કારણ પુછ્‍યું ત્‍યારે તેઓએ જણાવ્‍યુ ‘વહેલા જઈએ તો ઠાકોરજીના થાળ અને આરામનો સમય ન  સચવાય તેથી..' જન્‍મમરણની આવી નાજુક અનેક કટોકટીની પળોમાં પણ પ્રમુખસ્‍વામી મહારાજે ભગવાન અને ભગવાનની સેવાને ભૂલ્‍યા નથી.

ઇ.સ.૧૯૮૬માં મુંબઈ ખાતે ખંભાલા હિલ હોસ્‍પિટલમાં પ્રમુખસ્‍વામી મહારાજનું થાપાની ગાંઠનું ઓપરેશન થયેલું. જયારે તેઓ ભાનમાં આવ્‍યા ત્‍યારે સૌને થયું કે ઓપરેશનથી કાઢેલી મોસંબી જેવી મોટી ગાંઠ પ્રમુખસ્‍વામી મહારાજે બતાવીએ. સેવકસંતે આ માટે તેઓને ચશ્‍માં પહેરાવ્‍યા પરંતુ પ્રમુખસ્‍વામી મહારાજને ગાંઠ માટે કોઈ પ્રતિભાવ ન આપતા સીધું જ પૂછ્‍યું  ‘ઠાકોરજી ક્‍યાં છે? તેમના દર્શન કરાવો?'

આમ, માંદગીના બિછાને સમાન્‍ય વ્‍યક્‍તિને કેવળ દેહભાવનું જ અનુસંધાન રહે ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજ જેવા મહાનપુરૂષોનું મન હંમેશા ભગવાનમાં સ્‍થિર રહે છે.

સન્‍માનની સોહામણી પળોમાં પણ માણસ જયારે અહંકારમાં ગરકાવ થઈ જાય ત્‍યારે પ્રમુખસ્‍વામી મહારાજે આવી પળોમાં પણ ભગવાનને ક્‍યારેય ભૂલ્‍યા નથી.

૧૩/૦૬/૧૯૮૮ના રોજ કેનડાની પાર્લામેન્‍ટના ચાલું સત્રમાં પ્રમુખસ્‍વામી મહારાજને સન્‍માન્‍વામાં આવ્‍યા ત્‍યારે સૌનું અભિવાદન ઝીલવા માટે સૌ પ્રથમ પ્રમુખસ્‍વામી મહારાજ ઊભા ન થયા પરંતુ જે સંતના હાથમાં હરિકૃષ્‍ણ મહારાજ (ભગવાનની ચલમૂર્તિ) હતા તેમને પ્રથમ ઊભા થવા કહ્યું. ત્‍યારબાદ તેઓ ઊભા થયેલા. ભગવાનનું પ્રાધાન્‍ય આ સમયે પણ તેઓને મન પ્રથમ જ રહેલું.

વળી, અપમાનના સમયમાં પ્રમુખસ્‍વામી મહારાજનું મન ભગવાનમાંથી વિચલિત થયું નથી. સામાન્‍ય રીતે માણસને અપમાનની પળોમાં કાંઈ સૂઝતું નથી. તેને એકાંત પકડી બેસી રહેવું ગમે. પરંતુ, પ્રમુખસ્‍વામી મહારાજ આ બાબતે જુદા જ તરી આવે છે.

ઇ.સ. ૧૯૭૪માં ગેરસમજણને કારણે પ્રમુખસ્‍વામી મહારાજને નૈરોબી એરપોર્ટ ઉપર ઊતરવા ન દેતા તે જ પ્‍લેનમાં ભારત પરત ફરવાની ફરજ પાડવામાં આવેલી. સમગ્ર સંત મંડળ સાથે ૨૫ મી જાન્‍યુઆરીની વહેલી સવારે નીકળેલા પ્રમુખસ્‍વામી મહારાજે તે દિવસે મોડી રાત્રે મુંબઈ પહોંચેલા. એરપોર્ટ ઉપરથી મંદિરે પહોંચતા રાતના ૨ વાગ્‍યા હતા. મુસાફરીનો થાક અને અપમાનના ભારેખમ ભાર વચ્‍ચે પ્રમુખસ્‍વામી મહારાજ ખૂબ જ સ્‍વસ્‍થ હતા. તેઓના મનમાં આજે સાથેના હરિકૃષ્‍ણ મહારાજની સેવા-ભક્‍તિનો સમય ન સચવયો તેનો ખેદ હતો મંદિરે પહોંચતા જ તેમણે ઠાકોરજી માટે પૂરી-શાક, મગજ-દૂધનો થાળ કરાની તજવીજ કરાવી. અને ૨૫ દંડવત્‌ કરી ઠાકોરજીની ક્ષમાયાચના કરી.

આમ, પરિસ્‍થિતિના ગમે તેવા ઉતાર-ચઢાવ આવે પરંતુ મહાનપુરુષો ભગવત્‍સ્‍મરણ કે ભગવદ્‌ભજનમાંથી ક્‍યારેય ચલાયમાન થતા નથી.

ભગવાનનું આ રીતે સ્‍મરણ કરે તેને જ શ્રીમદ્‌ભાગવત વૈષ્‍ણવ અગ્રણી કહે છે. ભગવાનના ભક્‍તો માટે અખંડ ભગવાનનું સ્‍મરણ કરવું તે જ પ્રમુખમાર્ગ છે.

(4:03 pm IST)