Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ગુજરાત સહીત ૧૩ રાજયોમાંથી ર૮ લાખની છેતરપીંડીઃ બેલડી સકંજામાં

ફેસબુક અને વ્હોટસએપમાં કોવીડ મહામારીમાં ઉપયોગી ઓકસીમીટર-રેમડીસીવર ઇન્જેકશન સહીતની સામગ્રી જથ્થાબંધ ભાવે સસ્તી આપવાની જાહેરાત આપી શિશામાં ઉતારતા'તા : જેતપુરના વેપારી સાથે ઠગાઇ કરનાર રાજકોટના જયવીન મંગેચા અને જેતપુરના વહીદને એલસીબીએ ઝડપી લેતા અન્ય રાજયોમાં ૩૦ સ્થળે ર૭ લાખની છેતરપીંડી કર્યાનું ખુલ્યું: એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. અજયસિંહ ગોહીલની ટીમને સફળતા

જથ્થાબંધ ભાવે ઓકસીમીટર સસ્તા આપવાની ફેસબુક પર જાહેરાત આપી ગુજરાત સહીત ૧૩ રાજયોના ર૧ શહેરોમાંથી  ર૮ લાખની છેતરપીંડી કરનાર રાજકોટના જયવીન મંગેચા અને જેતપુરના વહીદ રફાઇને રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોહીલની ટુકડીએ ઝડપી લઇ ૪૦ હજારનો મુદામાલ  કબ્જે કર્યો હતો. આ અંગેની વિગતો પ્રેસ સમક્ષ વર્ણવતા એસપી બલરામ મીણા અને પીઆઇ ગોહીલ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૯: કોવીડ મહામારીમાં ઉપયોગી ઓકસીમીટર અને હેન્ડ ગ્લોઝ તથા રેમડેસીવર ઇન્જેકશન સહીતની સામગ્રી સસ્તા ભાવે આપવાની લાલચ આપી જેતપુરના વેપારી સાથે ઠગાઇ કરનાર રાજકોટ અને જેતપુરના બે શખ્સોને રૂરલ ક્રાઇમે દબોચી ગુજરાત સહીત ૧૩ રાજયોમાં ૩૦ સ્થળે કુલ ર૭.૭૪ લાખની છેતરપીંડી કર્યાનું ખુલ્યું હતું.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહીતી આપતા એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું કે જેતપુરના વેપારી રજનીકાંત કાંતીલાલ દોંગાએ જેતપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે કોઇ અજાણી વ્યકિતએ તેમની જેતપુર સ્થિત શ્રીનાથજી ટ્રેડીંગ પેઢીના નામે એડ્રેસ અને જીએસટી નંબરથી ફેસબુકના માધ્યમથી જાહેરાત આપી પલ્સ ઓકસીમીટર, હેન્ડ ગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની જાહેરાત ફોન દ્વારા ડીલ કરી પોતાના બેન્ક ખાતામાં રૂપીયા નંખાવી માલ નહી મોકલી છેતરપીંડી કરી હતી.

આ ગુજરાત તપાસ રૂરલ ક્રાઇમ બ્રાંચને સોંપતા પીઆઇ અજયસિંહ ગોહીલ તથા ટીમે છેતરપીંડી કરનાર જયવીન સુર્યકાંતભાઇ મંગેચા રે. બી. ૪૦૧ આનંદ પેલેસ સંતોષ પાર્ક રૈયા રોડ રાજકોટ રે. મુળ જેતપુર તથા  વહીદ અમીન રફાઇ રે. ફુલવાડી શેરી નં. એફ-૩ જેતપુરને મોબાઇલ નંગ-પ, બેંેંકના વીઝા કાર્ડ, ડેબીટ કાર્ડ, પલ્સ ફિંગર ટીપ ઓકસીમીટર નંગ-૪, રેમડેસીવર ઇન્જેકશનના ખાલી બોક્ષ, હેન્ડ ગ્લોઝના બોક્ષ, લેપટોપ તથા ૪૦,૦૦૦ની રોકડ સાથે દબોચી લઇ પુછતાછ કરતા આ બન્નેએ ગુજરાત સહીત ૧૩ રાજયોમાં ૩૦ વેપારીઓ સાથે કુલ ર૭.૭૪ લાખની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ પુછતાછમાં આ ઠગ બેલડી વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓકસીમીટર અને બાકીના ઓકસીમીટરના બોકસ રાખી ઓકસોમીટરનો મોટો જથ્થો પોતાની પાસે હોવાની તથા નાઇટ્રાઇડ હેન્ડ ગ્લોઝ, લોમીટર તેમજ આ ઠગ બેલડીએ તેલંગણા રાજયના ત્રણ વેપારી, હરીયાણા રાજયના ત્રણ વેપારી, રાજસ્થાનના બે વેપારી, મધ્યપ્રદેશના ૪ વેપારી, દિલ્હીના ત્રણ વેપારી, વેસ્ટ બંગાલ રાજયના એક વેપારી, મહારાષ્ટ્રના ૪ વેપારી, ઉતરાખંડના એક વેપારી, આંધ્રપ્રદેશના એક વેપારી, તામીલનાડુના બે વેપારી, ઝારખંડના બે વેપારી તથા કર્ણાટકના બે વેપારી સહીત કુલ ત્રીસ વેપારીઓ સાથે ર૭.૭૪ લાખની ઠગાઇ કર્યાનું એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું.

આ ઠગ બેલડી ૧પ૦૦ રૂ.માં વેચાતા ઓકસીમીટર ફકત રપ૦ રૂ.માં આપવાની તથા કોવીડ મહામારીને લગતી અન્ય સામગ્રી સાવ સસ્તા ભાવે આપવાની લાલચ આપી વેપારીઓને શિશામાં ઉતારતી હતી. વેપારીઓ પાસેથી રૂપીયા લઇ માલ ન મોકલી છેતરપીંડી કરતી હતી.

આ ઠગ બેલડીને ઝડપી લેવામાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.આર.ગોહીલ સાથે પીએસઆઇ વી.એમ.કોલાદરા, હેડ કો. રવીદેવભાઇ બારડ, મહેશભાઇ જાની, બાલકૃષ્ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, પો.કો. રહીમભાઇ દલ, નૈમીષભાઇ મહેતા, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા તથા હે. પો.કો. અનિરૂધ્ધસિંહ જાડેજા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(4:28 pm IST)