Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મારી ગર્લફ્રેન્‍ડને તારાથી કેમ દૂકાનમાં બેસાડાય?...હનુમાન મઢી ચોકમાં ટેટૂ આર્ટિસ્‍ટ પ્રેમ ઉર્ફ રોમીયોની હત્‍યાનો પ્રયાસ

જંગલેશ્વરના સોહિલ સંધીને ગર્લફ્રેન્‍ડ ક્રિષ્‍ના સાથે માથાકુટ ચાલે છે, ક્રિષ્‍ના ટેટૂની દૂકાને હોઇ તે વખતે સોહિલે મિત્ર સાગર સાથે આવી ધમાલ મચાવી : ગળા, બેઠક, સાથળ, ઘુંટણમાં ઘા ઝીંક્‍યાઃ મિત્રો બચાવવા વચ્‍ચે પડતાં તેની સામે પણ છરી ઉગામીઃ એટ્રોસીટી, હત્‍યાની કોશિષનો ગુનોઃ ગાંધીગ્રામ પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે રાતોરાત આરોપીઓને રાઉન્‍ડઅપ કર્યા

હત્‍યાનો પ્રયાસનો જેની સામેઆરોપી મુકાયો છે તે બે શખ્‍સો સોહિલ અને સાગરને પોલીસે પુછતાછ માટે રાઉન્‍ડઅપ કર્યા હતાં
રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં ટેટૂની દૂકાન ચલાવતાં ટેટૂ આર્ટિસ્‍ટ પર જંગલેશ્વરના બે શખ્‍સોએ છરીથી હુમલો કરી ગળા પર તથા બેઠક પર ઘા ઝીંકી દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં પોલીસે હત્‍યાની કોશિષ, એટ્રોસીટી એક્‍ટ હેઠળ ગુનો નોંધી રાતોરાત બે આરોપીને રાઉન્‍ડઅપ કરી પુછતાછ હાથ ધરી છે. બે હુમલાખોર પૈકીના મુસ્‍લિમ શખ્‍સની ગર્લફ્રેન્‍ડ ટેટૂ આર્ટિસ્‍ટની દૂકાને આવી હોઇ તેણે તારાથી મારી ગર્લફ્રેન્‍ડને કેમ બેસાડાય? કહી ઝઘડો કર્યો હોવાનું ખુલ્‍યું છે.
પ્રાપ્‍ત માહિતી મુજબ કોઠારીયા રોડ  ડો. આંબેડકર ભવન પાસે ઘનશ્‍યામનગર-૧માં રહેતાં અને હનુમાન મઢી ચોકમાં કિસ્‍મત હોટેલ પાસે ક્રૂઝ ટેટૂઝ નામે દૂકાનમાં બેસી ટેટૂ આર્ટિસ્‍ટ તરીકે કામ કરતાં પ્રેમ ઉર્ફ રોમીયો રઘુભાઇ સાગઠીયા (ઉ.૨૭)ને તે સાંજે પોતાની દૂકાને હતો ત્‍યારે જંગલેશ્વરના સોહિલ સંધી તથા સાગરે આવી ઝઘડો કરી ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં અને સોહિલે છરી કાઢી ગળા પર તથા બેઠક પર ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફ મારફત થતાં પીઆઇ જી. એમ. હડીયા, પીએઅસાઇ એમ. વી. લુવા, હીરાભાઇ રબારી સહિતના સ્‍ટાફે પહોંચી પ્રેમ ઉર્ફ રોમીયોની ફરિયાદ પરથી એટ્રોસીટી અને હત્‍યાની કોશિષની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો. પ્રેમ ઉર્ફ રોમીયોએ પોલીસને જણાવ્‍યું હતું કે હું સાંજે મારી દૂકાને હતો ત્‍યારે સાથે મિત્રો વિજયસિંહ અને હાર્દિક પણ હતાં. આ વખતે જંગલેશ્વરના સોહિલની ગર્લફ્રેન્‍ડ ક્રિષ્‍ના પણ મારી દૂકાને અન્‍ય એક યુવતિને લઇને ટેટૂના કામે આવી હતી. ક્રિષ્‍ના ત્રણ ચાર દિવસથી તેના મિત્ર સોહિલ સાથે બોલતી ન હોઇ અને તે તેને હેરાન કરે છે તેવી વાત મને કરતાં મેં સોહિલને ફોન કરી ક્રિષ્‍ના સાથે સમાધાન કરી લેવાનું કહેતાં તેણે ‘ક્રિષ્‍ના ત્‍યાં છે તો હું આવુ છું' તેમ કહેતાં તેને હા પાડતાં થોડીવાર બાદ સોહિલ તેના મિત્ર સાગરને લઇને મારી દૂકાને આવ્‍યો હતો અને ‘તારાથી મારી ગર્લફ્રેન્‍ડને કેમ બેસાડાય?' તેમ કહી ગાળો દીધી હતી.
એ પછી તેણે નેફામાંથી છરી કાઢી ઘા ઝીંકતાં મને ગળાના ભાગે ઇજા થઇ હતી. મારા મિત્રો વચ્‍ચે પડતાં તેઓની સામે પણ છરી ઉગામતાં આ લોકો ડરીને દૂર ખસી જતાં મને બેઠકના ભાગે અને જમણા સાથળ તથા ઘુંટણ પાસે ઘા મારી દઇ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ગુનો દાખલ થયા બાદ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જે. જી. રાણા, પીએસઆઇ એમ. વી. લુવા સહિતની ટીમે બે આરોપીઓ સોહિલ ઉર્ફ સોયલો અજીતભાઇ ઉર્ફ અબ્‍દુલભાઇ હિંગોરા તથા સાગર વસંતભાઇ મેસવાણીયા (રહે. જંગલેશ્વર)ને રાતોરાત રાઉન્‍ડઅપ કરી લીધા હતાં. આગળની તપાસ એસીપી એસસીએસટી સેલ જી. એસ. બારીયા ચલાવી રહ્યા છે.

 

(3:19 pm IST)