Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

બે લાખનું દેણું થઇ જતા ‘દર્શન' ડ્રીલ લઇને એટીએમ તોડવા પહોંચ્‍યો...તોડફોડ ચાલુ કરી ત્‍યાં જ ‘પોલીસે દર્શન દીધા'

એસ્‍ટ્રોન ચોકમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં વહેલી સવારે બનાવઃ બે ખાના તોડી નાંખ્‍યા હતાં, રૂપિયાનું ખાનુ તૂટે એ પહેલા પોલીસ આવી ગઇઃ બેંકની હૈદરાબાદની એટીએમ ઇ-સર્વેલન્‍સ ટીમે ચોરીના પ્રયાસની ગતિવિધીની બેંક અધિકારીને જાણ કરતાં ચોરી અટકી

દેણુ ઉતારવા દર્શને ન કરવાનું કર્યુ :  દર્શન વાઘેલા નામના કડીયા શખ્‍સ પર બે લાખનું દેણું થઇ ગયું હોઇ તે એસ્‍ટ્રોન ચોકમાં એટીએમ કાપવા વહેલી સવારે પહોંચ્‍યો હતો. પરંતુ તેનો આ પ્રયાસ બેંકની સિક્‍યુરીટી સિસ્‍ટમ અને પોલીસની તુરત કાર્યવાહીને કારણે નિષ્‍ફળ નીવડયો હતો. તસ્‍વીરમાં જ્‍યાં ઘટના બની તે બીઓબીનું એટીએમ, અંદર થયેલી તોડફોડના દ્રશ્‍યો અને પીએસઆઇ જે. એમ. ભટ્ટ તથા ટીમ અને રંગેહાથ પકડાઇ ગયેલો કડીયા શખ્‍સ દર્શન જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૯: શહેરના એસ્‍ટ્રોન ચોકમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો. વહેલી સવારે એક શખ્‍સ એટીએમ તોડવા અંદર ઘુસતાં જ બેંકની હૈદરાબાદ ખાતેની એટીએમ ઇ-સર્વેલન્‍સની ટીમને જાણ થઇ જતાં એ-ડિવીઝન પોલીસ પહોંચી હતી અને આરોપી રંગેહાથ દબોચાઇ ગયો હતો. ન્‍યારી ડેમ પાસે રહેતાં ‘દર્શન' નામના આ કડીયા શખ્‍સે એવી કબૂલાત આપી હતી તેના પર બે લાખનું દેણું થઇ જતાં એટીએમ તોડવા આવ્‍યો હતો. ઇલેક્‍ટ્રીક ડ્રીલની મદદથી બે ખાના તો તોડી નાંખ્‍યા હતાં, રૂપિયા ભરેલુ ત્રીજુ ખાનુ તોડે એ પહેલા પોલીસે દર્શન દઇ દીધા હતાં.
આ બનાવ અંગે નાના મવા રોડ લક્ષ્મી સોસાયટી-૬ બ્‍લોક નં. ૩૫-એમાં રહેતાં અને ટાગોર રોડ એસ્‍ટ્રોન ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં ક્રેડિટ મેનજર તરીકે દોઢ વર્ષથી નોકરી કરતાં મનોજભાઇ ભીમજીભાઇ ચોરાડા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ન્‍યારી ડેમવાળા રોડ પર આસોપાલવ સ્‍કવેર બિલ્‍ડીંગ ફલેટ નં. ૩૦૩ લગૂન રેસિડેન્‍સી સામે રહેતાં દર્શન ગોરધનભાઇ વાઘેલા નામના શખ્‍સ વિરૂધ્‍ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. મનોજભાઇએ  જણાવ્‍યું હતું કે આજે વહેલી સવારે સાડા ત્રણેક વાગ્‍યે અમારા આઇટી ડિપાર્ટમેન્‍ટમાંથી હિતેષભાઇનો મને ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે ટાગોર રોડ બેંક ઓફ બરોડા બ્રાંચનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો છે અને પોલીસને જાણ કરી છે તમે તાત્‍કાલીક પહોંચો. જેથીહું ત્‍યાં પહોંચતા એટીએમ અંદરના મશીનનો મેઇન ડોર તૂટેલો હતો અને એટીએમ ડિસ્‍પેનશર પણ તૂટેલુ હતું. પોલીસ પણ આવી ગઇ હતી. હૈદરાબાદ ખાતેની એટીએમ ઇ-સર્વેલન્‍સ ટીમે આ ચોરીની ગતિવિધીને પકડી રાજકોટ બેંકના આઇટી ડિપાર્ટમેન્‍ટને જાણ કરી હતી. તેના મારફત પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ થતાં એ-ડિવીઝન ડી. સ્‍ટાફના પીએસઆઇ જે. એમ. ભટ્ટ, કોન્‍સ. અશ્વીનભાઇ અને જગદીશભાઇ નાઇટ પેટ્રોલીંગમાં હોઇ તેઓ તુરત જ બનાવ સ્‍થળે પહોંચી ગયા હતાં. પોલીસની ગાડી જોતાં જ બીજા માળે આવેલા એટીએમમાંથી એક શખ્‍સ નીચે ઉતરી દોટ મુકી ભાગવા જતાં પોલીસે પીછો કરી પકડી લીધો હતો.
 પુછતાછમાં તેણે પોતાનું નામ દર્શન ગોરધનભાઇ વાઘેલા (કડીયા કુંભાર) (ઉ.૨૪-રહે. આસોપાલવ સ્‍કવેર ફલેટ નં. ૩૦૩) જણાવ્‍યું હતું. તેમજ પોતે કડીયા કામ કરતો હોવાનું કહ્યું હતું. વધુ પુછતાછ થતાં કહ્યું હતું કે પોતાના પર ધંધાકીય મંદીને કારણે બે લાખ જેવું દેણું થઇ ગયું હોઇ જેથી ઇલેક્‍ટ્રીક ડ્રીલ લઇને એટીએમ કાપવા આવ્‍યો હતો. તે ટુવ્‍હીલર લઇને અહિ સુધી પહોંચ્‍યો હતો અને બાજુની શેરીમાં વાહન પાર્ક કરી પગપાળા એટીએમમાં ગયો હતો. ડ્રીલમાં મોટી સાઇઝનું પાનુ ફીટ કરી એટીએમ મશીનના બે ખાના તોડી નાંખ્‍યા હતાં. રૂપિયાવાળુ ખાનુ ખોલે એ પહેલા પોલીસ આવી ગઇ હતી. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્‍સ. આર. એલ. વાઘેલાએ ગુનો નોંધ્‍યો હતો. પીએસઆઇ જે. એમ. ભટ્ટ, ટી. ડી. ચુડાસમા,  હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(3:37 pm IST)