Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભાવેશ સુધરતો જ નથીઃ કાલે સિવિલ હોસ્‍પિટલમાં અને આજે હેડ પોસ્‍ટ ઓફિસમાં મોબાઇલ સેરવતા પકડાયો

ગઇકાલે પકડાઇ જતાં પોતાની જાતે બ્‍લેડથી લોહી કાઢતાં દાખલ કરાયા પછી વોર્ડમાંથી ભાગી ગયો હતોઃ આજે ફરી લખણ ઝળકાવ્‍યાઃ ફરી ગઇકાલ જેવા ખેલ કરતાં સારવારમાં ખસેડાયો

રાજકોટઃ ગોંડલ તરફથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં અવાર-નવાર આવીને ગિર્દીનો લાભ લઇ દર્દીઓ અને તેના સગાના મોબાઇલ, પર્સ સેરવી લેવાની ટેવ ધરાવતો અને પકડાઇ ગયા બાદ પોતાની જાતે બ્‍લેડથી લોહી કાઢી ખેલ કરી સારવારમાં દાખલ કરવામાં આવે પછી ભાગી જવાની ટેવ ધરાવતો ભાવેશ નામનો શખ્‍સ સુધરતો જ નથી. ગઇકાલે એક સાગ્રીત સાથે તે સિવિલ હોસ્‍પિટલની ઓપીડીમાં મોબાઇલ ફોન સેરવવાનો પ્રયાસ કરતાં રંગેહાથ પકડાઇ ગયો હતો. ત્‍યારે જાતે લોહી કાઢી જમીન પર ઓળોટવા માંડતા તેને સારવાર માટે દાખલ કરાયો હતો. પરંતુ ત્‍યાંથી થોડીવાર બાદ છનનન થઇ ગયો હતો. આજે તે હેડ પોસ્‍ટ ઓફિસ ખાતે પહોંચી ગયો હતો અને ત્‍યાં મયુરસિંહ નામના યુવાને પોતાના ઉપરના ખિસ્‍સામાં મોબાઇલ રાખ્‍યો હોઇ તે સેરવી લેવા પ્રયાસ કરતાં ઝડપાઇ ગયો હતો. લોકોએ એકઠા થઇ ઠમઠોરતાં અને પોલીસને જાણ કરતાં એ-ડિવીઝન પોલીસ પહોંચી હતી. પણ તેણે અગાઉની જેમ જ પોતાની જાતે લોહી કાઢી નાટક કરતાં પોલીસ ફરીથી તેને સારવાર માટે લાવી હતી. આજે પણ તેણે ઇમર્જન્‍સી વોર્ડમાં દેકારો કરી ધમાલ મચાવી હતી.

(3:32 pm IST)