Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

૧૦ રશિયન-યુક્રેનના ભકતો રાજકોટીયનોને ‘હરે કૃષ્‍ણ મહામંત્ર'ના કીર્તનથી ડોલાવશે

ઈસ્‍કોન મંદિર આયોજિત જગન્‍નાથ રથાયાત્રાની તૈયારી અંતિમ ચરણમાં: શહેરના રાજમાર્ગો જય જગન્‍નાથના નાદ સાથે ગુંજી ઉઠશેઃઈન્‍દીરા સર્કલ ખાતેથી રથયાત્રાનો પ્રારંભ ઈસ્‍કોન મંદિરે સમાપનઃ ત્રણ હજાર કિલો બુંદીની પ્રસાદી વિતરણઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટઃ અષાઢી બીજ ને હવે ગણતરીના દિવસો બાકી છે. શહેર માં ઇસ્‍કોન મંદિર દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ ઇસ્‍કોન મંદિર રાજકોટ દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. આ વર્ષે રથયાત્રાને લઇને રાજકોટવાસીઓ માં અનેરો ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્‍કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્‍ણવસેવા પ્રભુજી જણાવે છે કે વામન પુરાણ માં જણાવાયું છે કે જે કોઈ વ્‍યક્‍તિ ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચે છે અથવા દોરડાને સ્‍પર્શ પણ કરે છે તો તેના જન્‍મો જન્‍મના પાપ નષ્ટ થાય છે. જે કોઈ પણ રથ પર બિરાજેલા ભગવાન શ્રી જગન્નાથના એકવાર પણ દર્શન કરે છે તેનો પુનર્જન્‍મ થતો નથી. આ વર્ષે રથયાત્રા ની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવશે.  ઉજવણી ની તૈયારીના ભાગ રૂપે મંદિરને આકર્ષક લાઈટથી શણગારવામાં આવેલ છે. ભગવાનના રથને પણ તૈયાર કરવામાં આવેલ છે. રથને ફૂલોની લહેરથી શણગારવામાં આવશે અને રાત્રે ભગવાનના રથ પર દર્શન સારી રીતે થઇ શકે એ હેતુથી રથને વિશેષ લાઈટ દ્વારા રોશનીયુકત કરવામાં આવશે.

રથયાત્રા જયારે શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય ત્‍યારે શહેરીજનોને પ્રસાદ ના ભાગ રૂપે બુંદી નું વિતરણ કરવા માટે ૩૦૦૦ કિલો બુંદી તૈયાર કરવામાં આવેલ છે જે બુંદીના આશરે ૬૦ થી ૭૦ હજાર  પેકેટ ભક્‍તો તેમજ સ્‍વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવશે અને આ ૬૦ થી ૭૦ હજાર  બુંદીના પેકેટનું વિતરણ  શહેરના રાજમાર્ગો પર રથના દર્શન કરતા દર્શનાર્થીઓમાં કરવામાં આવશે. આપણે સૌ જાણીએ છીએ કે રથયાત્રાના આગલે દિવસે મંદિરની સાફ સફાઈનું વિશેષ મહત્‍વ છે જેને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે.  ૩૦ જૂને મંદિરમાં ગુંડિચા માર્જન એટલે કે વિશેષ સાફ સફાઈ કરવામાં આવશે. માટે જે કોઈ એ ગુંડિચા માર્જનમાં અથવા  બુંદીના પેકેટ બનાવવાની સેવા માં સહભાગી થવું હોય તેઓ એ ૯૮૯૮૧ ૬૫૩૫૮ પર શ્રદ્ધાવાન દાસ નો સંપર્ક કરવો.

આ રથયાત્રા દરમિયાન મુખ્‍ય અતિથિ તરીકે  પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના કેબિનેટ વાહનવ્‍યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર પ્રદીપભાઈ ડવ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોદ્યરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ,  રાજકોટ જિલ્લા કલેક્‍ટર અરુણ મહેશ બાબુ, મ્‍યુનીસીપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ,  ધનસુખભાઇ ભંડેરી,  કોર્પોરેટર રણજીતભાઇ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મ્‍યુ.સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ર્ડો.  વિજયભાઈ દેસાણી હાજર રહેશે.

અષાઢી બીજના કાર્યક્રમ ની શરૂઆત સવારે ૪:૩૦ વાગે વિશેષ મંગળા આરતી થી કરવામાં આવશે. ૮:૩૦ વિશેષ શ્રૃંગાર દર્શન, ૯ વાગે ભગવાન જગન્નાથને ૫૬ ભોગ અર્પણ કરવામાં આવશે. સવારે ૧૦ વાગે મંદિરના પ્રમુખ વૈષ્‍ણવસેવા પ્રભુજી દ્વારા જગન્‍નાથ કથા પર પ્રવચન રથયાત્રાનો પ્રારંભ બપોરે ૪ કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્‍દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે. ચોક, પુષ્‍કરધામ ચોક  થઇ કાલાવડ પર આવશે જયાં એજી ચોક, જડ્ડુસ રેસ્‍ટોરન્‍ટ થી કટારીયા સર્કલ થઇ ઇસ્‍કોન મંદિર એ આવશે. ઉપરોક્‍ત દર્શાવેલ દરેક મુખ્‍ય ચોક પર ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન સંપૂર્ણ માર્ગમાં હરે કૃષ્‍ણ મહામંત્રનું કીર્તન કરવામાં આવશે અને વાજતે ગાજતે અને નાચતે ભગવાન જગન્નાથને નગરચર્યા કરાવવામાં આવશે.  રાત્રે ૮ વાગ્‍યાં થી મંદિર માં સૌ દર્શનાર્થીઓ માટે ભંડારા પ્રસાદનું આયોજન થયું છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે

(4:14 pm IST)