Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગવરીદળમાં કુદરતી હાજતે જઇ રહેલા લીંબાભાઇ શિયાળ પર વિજતાર પડતાં કરંટ લાગતાં મોત

પરિવારમાં અરેરાટીઃ પશુપાલન કરવા સાથે ચાની હોટેલ ચલાવતાં હતાં: ગામના સ્મશાન નજીક બનાવ બન્યો

રાજકોટ તા. ૨૯: મોત ગમે ત્યારે અને ગમે તે રીતે તેમજ ગમે તે સ્થળે આવી જતું હોય છે. મોરબી રોડ પર આવેલા કુવાડવા તાબેના ગવરીદળમાં રહેતાં ભરવાડ પ્રોૈઢ સવારે કુદરતી હાજતે જઇ રહ્યા હતાં ત્યારે વિજતાર તુટીને માથે પડતાં કરંટ લાગતાં  ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગવરીદળ ગામમાં રહેતાં લીંબાભાઇ સગરામભાઇ શિયાળ (ઉ.વ.૫૮) સવારે પોણા સાતેક વાગ્યે ઘરેથી ચાલીને ગામના સ્મશાન નજીક કુદરતી હાજતે જવા નીકળ્યા હતાં. દરમિયાન સ્મશાન પાસે પહોંચ્યા ત્યારે એકાએક વિજતાર તૂટીને માથે પડતાં વિજકરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ગામ લોકો અને સ્વજનો દોડી ગયા હતા. ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેમનું મૃત્યુ થયું હોઇ પોલીસને જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના મહાવીરસિંહ અને હિતેષભાઇએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મૃત્યુ પામનારની તસ્વીર મોકલી જણાવ્યું હતું કે લીંબાભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રો વાલાભાઇ, કરણભાઇ અને એક દિકરી રેખાબેન છે. દિકરી રાજકોટ સાસરે છે. લીંબાભાઇ પશુપાલન કરવા સાથે ચાની હોટેલ પણ ચલાવતાં હતાં. સવારે ડબલુ લઇ કુદરતી હાજતે જવા નીકળ્યા હતાં ત્યારે આ બનાવ બની ગયો હતો. ઘટનાને પગલે પરિવારમાં અને ગામમાં શોક છવાઇ ગયો હતો.

(1:06 pm IST)