Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રામનાથપરાના અહેમદને કુંભારવાડાના મનસુર વાળા સહિતે માથામાં છરી ઝીંકી

ડિલકસ ચોકમાં દરગાહમાંથી સલામ કરી નીકળ્યા બાદ કારનો ટર્ન લેવા મામલે ચડભડ : અહેમદના માસીયાઇ ભાઇ આરીફને અજાણ્યા શખ્સોએ ગાળો ભાંડ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ ડિલકસ ચોકમાં દરગાહેથી સલામ ભરીને બહાર નીકળેલા રામનાથપરાના યુવાનને કારનો ટર્ન લેવા બાબતે બીજી એક કારના ચાલક સાથે ચડભડ થયા બાદ કાર ચાલકે ફોન કરીને બીજા ત્રણ જણાને બોલાવતાં બધાએ મળી મારકુટ કરી માથામાં છરીથી ઇજા કરતાં અને યુવાનના માસીયાઇ ભાઇને ગાળો દેતાં ફરિયાદ થઇ છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબરામનાથપરા-૪માં ગરૂડ ગરબી ચોકમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અહેમદ રઝાકભાઇ બ્લોચ (ઉ.વ.૨૭)ને સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસની પ્રાથમિક પુછતાછમાં ડિલકસ ચોકમાં મનસુર વાળા સહિતે ઇજા કર્યાનું જણાવાતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

પોલીસે અહેમદની ફરિયાદ પરથી આઇ-૨૦ કાર નં. જીજે૩૬આર-૬૪૫૯ના ચાલક તથા તેની સાથેના મનસુરભાઇ વાળા (રહે. કુંભારવાડા-૬) તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. અહેદમના કહેવા મુજબ પોતે અને પડધરીથી આવેલો માસીનો દિકરો આરીફ બ્લોચ પોતાની સ્ીફટ કાર લઇને પારેવડી ચોકની દરગાહે સલામ કરવા ગયા હતાં. ત્યાંથી બહાર નીકળી પોતાની કારનો ટર્ન લઇ રહ્યા હતાં ત્યારે આઇ-૨૦ કાર નં. ૬૪૫૯ના ચાલકે ટર્ન લેવા પ્રશ્ને ઝઘડો કરી ગાળાગાળી કરી હતી.

એ પછી બધા શકિત ટી સ્ટોલ પાસે ઉભા રહ્યા હતાં. એ દરમિયાન આઇ-૨૦ના ચાલકે ફોન કરતાં બીજા ત્રણ જણા સ્વીફટ કારમાં આવ્યા હતાં. એ લોકોએ મળી પોતાને માથામાં છરીથી ઇજા કરી મારી નાંખવાની ધમકી દીધી હતી. તેમજ અજાણ્યા શખ્સોએ તેના માસીયાઇ ભાઇ આરીફને ગાળો દીધી હતી.

અહેમદના કહેવા મુજબ પોતાને માથામાં છરી મારનાર શખ્સે પોતે કુંભારવાડામાં રહેતો મનસુર વાળા હોવાની ઓળખ આપી હોઇ તેના આધારે તેણે ફરિયાદ કરી છે. પીએસઆઇ જે. આર. સરવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)