Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મ.ન.પા.માં કલાર્કની ભરતી માટે ૪૫ હજાર ઉમેદવાર તૈયાર છતાં મેનપાવર કોન્ટ્રાકટ !

૧૨૨ જગ્યા માટે તંત્રએ ભરતીની જાહેરાત આપ્યાને મહિનાઓ વિતી ગયા : પ્રત્યેક વિભાગમાં માત્ર ૧ કાયમી કલાર્ક બાકીના તમામ કર્મચારીઓ મેનપાવર કોન્ટ્રાકટરના અથવા એપ્રીન્ટીસ છે

રાજકોટ તા. ૨૯ : મ્યુ. કોર્પોરેશનમાં કલાર્કની ભરતી માટે ૪૫ હજાર ઉમેદવારો તૈયાર છતાં તંત્રની ઢીલીનીતિને કારણે મેનપાવર કોન્ટ્રાકટથી ગાડુ ગબડાવાય રહ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મહાનગરપાલિકામાં ૧૨૨ કલાર્કની ભરતી માટે ફેબ્રુઆરી માસમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં ૪૫ હજાર જેટલા ઉમેદવારોએ કરી હતી પરંતુ તંત્ર દ્વારા આ ભરતીની જાહેરાત આપ્યાના મહિનાઓ વિતી ગયા છતાં હજુ કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.

મ.ન.પા.ના દરેક વિભાગમાં કાયમી ૨-૩ કલાર્કની જરૂરીયાત સામે માત્ર ૧ કાયમી કલાર્કથી ગાડુ દોડાવવામાં આવી રહ્યું છે. બાકીના તમામ કર્મચારીઓ મેનપાવર કોન્ટ્રાકટરના અથવા એપ્રિન્ટીસ છે.

આ ૧૨૨ પૈકી પુરૂષોમાં ૪૨ અને મહિલાઓમાં ૧૪ એમ કુલ ૫૬ સામાન્ય ઉમેદવારોની જગ્યા છે. બાકીની તમામ જગ્યાઓ અનામત કેટેગરીની છે.

જે ભરતી કરવાની થાય છે તેમાં પુરૂષો માટે ૪૨ સામાન્ય, આદિજાતિ માટે ૨૩, અનુજાતિ માટે ૨૩, સામાજીક પછાત માટે ૮, અનુ.જાતિ માટે ૮ અને અનુ.જનજાતિ માટે ૨૭ જગ્યાઓ ભરવાની છે.

જ્યારે મહિલા અનામતની કેટેગરીમાં ૧૪ સામાન્ય, આદિજાતી માટે ૪, અનુજાતિ માટે ૨, અનુજનજાતિ માટે ૯ જગ્યાઓ છે તથા શારીરિક અશકત માટે ૩ જગ્યાની ભરતી થશે.

માન્ય યુનિવર્સિટીના સ્નાતક તથા ડેટા એન્ટ્રીની કોમ્પ્યુટર ટાઇપીંગની નિયત સ્પીડ વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ અરજીઓ કરી હતી. તંત્ર દ્વારા અરજીઓની તપાસણી કરી યોગ્ય ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાશે અને પછી લેખિત અને પ્રેકટીકલ પરીક્ષા લઇ મેરીટ મુજબ ઉમેદવારોની પસંદગી થશે.

નવેમ્બરમાં પરીક્ષાની શકયતા

દરમિયાન મ.ન.પા.ના સૂત્રોના જણાવ્યા મુજબ કલાર્ક ભરતીની પરીક્ષાનો સિલેબલ તૈયાર થઇ રહ્યો છે. આથી નવેમ્બરમાં પરીક્ષા લેવાય તેવી શકયતા છે.

(2:50 pm IST)