Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

મારી 'મા' જીવે છે, ત્યાં સુધી હું તને સાચવીશ પછી તને કાઢી મુકીશ કહી મોરબીમાં પરિણીતાને ત્રાસ

ભોમેશ્વરના ચાંદનીબા મહિલા પોલીસમાં પતિ અને સાસુ સામે ફરિયાદઃ ગાંધીગ્રામમાં કાજલબેનને આર્મીમેન પતિ અને સાસુનો તથા કાલાવડ રોડ રોયલ પાર્કમાં હેતલબેનને પતિ, જેઠ અને જેઠાણીનો ત્રાસ

રાજકોટ તા. ર૯: જામનગર રોડ ભોમેશ્વર પ્લોટમાં માવતર ધરાવતી મહિલાને પતિ દારૂ પીને 'જયાં સુધી મારી 'માં' જીવે છે ત્યાં સુધી તને સાચવીશ પછી કાઢી મુકીશ, તું ગમતી નથી' કહી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભોમેશ્વર પ્લોટમાં દ્વારકેશ ફલેટમાં માવતર ધરાવતા ચાંદનીબા અજયસિંહ ઝાલા (ઉ.વ.૩પ) એ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મોરબી સનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા પતિ અજયસિંહ બળવંતસિંહ ઝાલા તથા સાસુ કનકબા બળવંતસિંહ ઝાલાના નામ આપ્યા છે. ચાંદનીબાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ર૦૦૯માં મોરબી ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અજયસિંહ ઝાલા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાસરીયાઓએ એક વર્ષ સારી રીતે રાખેલ બાદ પતિ ઘરકામ જેવી નાની-નાની બાબતે તેમજ દારૂ પી પરેશાન કરતો હતો ગાળો બોલી હાથ ઉપાડતો હતો. અને 'જયાં સુધી મારી 'માં' જીવે છે ત્યાં સુધી જ તને સાચવીશ પછી કાઢી મુકીશ' તેવું કહેતો હતો અને સાસુ અવાર-નવાર મેણાટોણા મારતા અને ઘરમાં નોકરાણીની જેમ રાખતા હતા. બે માસ પૂર્વે ઝઘડો કરતા પોતે માવતરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. પી. એમ. પાટડીયાએ તપાસ હાથ ધરી છે.

જયારે પરસાણાનગરમાં રહેતા કાજલબેન મયુરભાઇ પરમાર (ઉ.વ. ર૭) એ ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતા અને આર્મીમાં નોકરી કરતા પતિ મયુર ઉમેશભાઇ પરમાર અને સાસુ કૈલાસબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ર૦૧૯માં પોતાના લગ્ન થયા હતા લગ્ન બાદ તે પંદર દિવસ બાદ નોકરીએ જતા રહ્યા હતા મારા સાસુ શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. ચૂંટણીના છેલ્લા દિવસે મોડું થવાનું હોય, તેડવા જવાનું કહેતા મારા ભાઇને સાથે લઇ જવાનું કહેતા પતિએ ફોનમાં મને અને મારા પિતાને ગાળો ભાંડી હતી બાદમાં સમાધાન કરી ઉત્તરાખંડ સાથે લઇ ગયા હતા પ્રેગનેટ થતા રાજકોટ આવી હતી. શ્રીમંત વિધિ બાદ પિયરમાં ગઇ ત્યારે મારા સાસુને સાચવ્યા હતા. પતિને ખોટી વાત કરતા તારા પરિવારમાં કોઇ સંસ્કાર જ નથી તારે લગ્ન જ ન કરવા જોઇએ તેવું પતિએ કહ્યું હતું. દીકરાને જન્મ આપ્યાના ચોથા દિવસે પતિએ ફોન કરી સીઝરીયન કેમ થયું. નોર્મલ ડીલીવરી કેમ ન કરી કહી ઝઘડો કર્યો હતો. સાસુએ દીકરાના નામ બાબતે ઝઘડો કર્યો હતો. સવા મહિના બાદ સાસુ તેડવા આવતા આરામની જરૂર હોવાથી રોકી લીધી હતી, પાંચ મહિના બાદ પતિએ આવી દીકરાને લઇ જવાનું કહેતા દીકરો પાછો લઇ લીધો હતો અને તેડવા નહીં આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એેએસઆઇ એન. જે. બેલીમે તપાસ હાથ ધરી છે.

જયારે ઘંટેશ્વરમાં રહેતા હેતલબેન વિશાલભાઇ લોટીયાએ હરિહર સોસાયટીમાં રહેતા પતિ વિશાલ નટવરલાલભાઇ લોટીયા, જેઠ નીમીશ નટવરલાલભાઇ લોટીયા અને જેઠાણી સીમાબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન ર૦૦૪માં થયા હતા. હાલ સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. લગ્નના પ્રથમ દિવસથી જ પતિ બોલાવતો નહીં અને તારૃં રસોડાનું કામ કર તારે મને બોલાવવો નહિં, જેઠ પણ હાથ ઉપાડી લેતા બાદ અમે રાજકોટ ભાડે રહેવા આવતા પ્રથમ વખત પતિએ પતિ જેવો વ્યવહાર કર્યો હતો અને મેં દીકરાને જન્મ આપયો હતો. બાદમાં પ્રેગ્નેન્ટ થતા પતિ પેટમાં પાટા મારતો અને દીકરીનો જન્મ થતા રસોડાનું કરિયાણું ભેગું કરી નાખતો અને ફેબ્રુઆરી ર૦ર૦માં બંને બાળકો સાથે કાઢી મુકતા અંતે ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. આઇ. એમ. શેખએ તપાસ હાથ ધરી છે. 

(2:52 pm IST)