Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

૩૦ વર્ષના લગ્ન જીવન બાદ પત્નિની પતિ વિરૂધ્ધ ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૨૯: લગ્નના ૩૦ વર્ષ બાદ પતિ વિરૂધ્ધ ૪૯૮ (એ) હેઠળ શારીરીક માનસીક ત્રાસની મહિલા પો.સ્ટેશનમાં ફરીયાદ અરજી કરવામાં આવેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના ફરીયાદી પ્રવીણાબેન w/o ચેતનભાઇ નિમાવત (પત્ની)ના લગ્ન ચેતનભાઇ નિમાવત સાથે આશરે ૩૦ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવનથી તેઓને એક સંતાન દિકરો છે જે હાલ કેનેડામાં અભ્યાસ કરે છે.

લગ્ન બાદ ફરીયાદી તેના પતિ સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતા. ત્યાર બાદ થોડા સમય પછી તેમના પતિ તેમને તરછોડીને મુંબઇ મુકામે રહેવા જતા રહેલ. ત્યા અન્ય સ્ત્રી સાથે ૧ વર્ષ રહેલ તે હકિકતની જાણ ફરીયાદીને થતા ફરીયાદી મુંબઇ મુકામે તેમની સાથે રહેવા જતા રહેલ. ત્યાં ફરીયાદીના પતિએ તેમને હોટલમાં કામ પર રખાવી દીધેલા. ફરીયાદીના પતિ કાંઇ જ કામ કરતા નહી. ફરીયાદી (પત્ની) ના પગારના પૈસાથી દારૂ પીતા અને જુગાર રમતા હતા. ફરીયાદી પૈસા આપવાની ના પાડતા તેમને અપશબ્દો આપી ઢોર માર મારતા હતા. પૈસા માટે તેઓ ઘરની ચીજવસ્તુઓ પણ વેચી નાખતા હતા.

ફરીયાદી (પત્ની) ની ફરીયાદ મુજબ તેમના પતિ માનસીક અસ્વસ્થ (હાઇઓ એન્ડ હાઇપર સેન્સીટીવીટી) બીમારીવાળા વ્યકિત હોવાથી તેઓ આવેશમાં આવી ઘરની વસ્તુઓ તોડ-ફોડ કરતા તેમજ જે વસ્તુ હાથમાં આવે તેના છુટા ઘા કરી ફરીયાદીને મારતા હતા. જે અંગે અગાઉ પણ ફરીયાદીએ તેમના પતિ વિરૂધ્ધ ફરીયાદો કરેલી છે. હાલ ફરીયાદીએ મહિલા પો.સ્ટે. રાજકોટ મુકામે વકીલ શ્રી વિવેક એન.સાતા મારફત અરજી કરેલી. પોલીસે તપાસ કર્યા બાદ પતિ ચેતન નિમાવત વિરૂધ્ધ IPC ની કલમ ૪૯૮(એ), ૩ર૩, પ૦૪, પ૦૬(ર) વિરૂધ્ધની FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામમાં ફરીયાદી પત્ની પ્રવીણાબેન તરફે રાજકોટના વિદ્વાન વ.શ્રી વિવેક એન.સાતા રોકાયેલા હતા. 

(2:53 pm IST)