Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ચેક રિટર્ન કેસમાં ગોંડલના ચા ના વેપારીને એક વર્ષની સજા અને ૧૦ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ર૯: ગોંડલના વેપારી રાજદીપ ચા ના માલીક દીપકભાઇ ભીખુભાઇ પટેલની સામે ચેક રીટર્નના કેસમાં ૧ (એક) વર્ષની સજા તથા ચેકની રકમ રૂ. દસ લાખ વળતર એક માસમાં ચુકવવાનો કોર્ટએ હુકમ કર્યો છે. આરોપી વળતરની રકમ એક માસમાં ન ચુકવે તો વધુ ૬ (છ) માસની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી એ. વી. ભટ્ટ રાજકોટવાળા પાસેથી ગોંડલના વેપારી રાજદીપ ચા ના માલીક દીપકભાઇ ભીખુભાઇ પટેલ એ રૂ. ૧૦,૦૦,૦૦૦/- અંકે રૂ. દસ લાખ પુરા હાથ ઉછીના લીધેલા. જે રકમની ચુકવણી પેટે ગોંડલના વેપારી રાજદીપ ચા ના માલીક દીપકભાઇ ભીખુભાઇ પટેલ એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ગોંડલ શાખા ના પાંચ લાખના બે ચેકો ફરીયાદી જોગ લખી આપેલા.

આરોપી એ આપેલ બન્ને ચેક ફરીયાદીએ તેમની બેંકમાં નાખતાં ફંડસ ઇનસફીસીયન્ટ ના શેરા સાથે પરત ફરેલ. આમ, ચેકો ફરીયાદીના ખાતાવાળી બેંકમાં નાખતા અને સદરહું ચેકો રીટર્ન થતાં રવિન્દ્ર જે. ત્રિવેદી એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. ત્યારબાદ રકમ નહીં ચુકવતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

સમગ્ર કેસ ચાલી જતાં, રજુ રાખેલ તમામ દસ્તાવેજી પુરાવા તથા ફરીયાદીના વકીલશ્રીની ધારદાર દલીલો તેમજ હાઇકોર્ટ તથા સુપ્રીમકોર્ટના જજમેન્ટો ને ધ્યાનમાં લઇ ફરીયાદી પોતાનો કેસ નિશંકપણે સાબીત કરે છે તેમ માની અદાલતે આ કામના આરોપી ગોંડલના વેપારી રાજદીપ ચા ના માલીક દીપકભાઇ ભીખુભાઇ પટેલને કસુરવાન ઠરાવી ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ-૧૩૮ હેઠળ કસુરવાન ઠરાવી એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા સી.આર.પી.સી. કલમ ૩પ૭(૩) મુજબ બન્ને ચેકની કુલ રકમ રૂ. દસ લાખ વળતર પેટે એક માસમાં ચુકવવાનો કોર્ટએ હુકમ કરેલ છે અને જો આરોપી વળતરની રકમ એક માસમાં ન ચુકવે તો વધુ ૬ (છ) માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરિયાદી એ.વી. ભટ્ટ વતી રાજકોટના ધારાશાસ્ત્રી રવિન્દ્ર જે. ત્રિવેદી તથા વિરેન્દ્ર એચ. ભટ્ટ રોકાયેલ હતા. 

(2:54 pm IST)